મહાવિકાસ આઘાડીમાં સંઘર્ષના એંધાણ?
લોકસભાની ચૂંટણીમાં શિવસેનાના યોગદાનને યાદ રાખો: સંજય રાઉત
મુંબઈ: મહાવિકાસ આઘાડીમાં મુખ્ય પ્રધાન પદને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં શુક્રવારે નવો ફણગો ફૂટ્યો હતો. શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં કૉંગ્રેસની બેઠકોની સંખ્યા વધી તેમાં શિવસેના (યુબીટી)નું યોગદાન છે તે કૉંગ્રેસે ભૂલવું જોઈએ નહીં. જો કૉંગ્રેસના નેતાઓ એમ માનતા હોય કે તેઓ રાજ્યમાં મોટા ભાઈ છે તો તેમણે ભૂલવું ન જોઈએ કે શિવસેના (યુબીટી)ની તેમના વિજયમાં ભૂમિકા છે.
અહીં ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાતે ગુરુવારે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી મુખ્ય પ્રધાન કૉંગ્રેસનો હશે તેની અમને ખાતરી છે. અહીં ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને 48માંથી 31 બેઠકો પર વિજય મળ્યો હતો, જ્યારે સત્તાધારી મહાયુતિ ફક્ત 17 બેઠકો પર વિજય મેળવી શકી હતી.
કૉંગ્રેસના સંસદસભ્યોની સંખ્યા વધવા માટે શિવસેના (યુબીટી)નું યોગદાન ભૂલવું ન જોઈએ. કૉંગ્રેસે શિવસેના (યુબીટી)ના યોગદાનનો અભ્યાસ કરવો જોઈએ. અમે કોલ્હાપુર, રામટેક અને અમરાવતી લોકસભાની બેઠકો કૉંગ્રેસને આપી હતી, જેના પર અવિભાજિત શિવસેનાના સંસદસભ્ય ચૂંટાયા હતા. આ બેઠકો કૉંગ્રેસ જીતી ગઈ હતી અને તેમની બેઠકોની સંખ્યામાં વધારો થયો હતો.
આપણ વાંચો: મહાવિકાસ આઘાડીના ત્રણેય સુપ્રીમો એક મંચ પર
બીજી તરફ કૉંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાતે સંજય રાઉતના નિવેદન પર બહુ ધ્યાન આપવાની જરૂર નથી એમ જણાવતાં ઉમેર્યું હતું કે આ ચર્ચાઓ એમવીએના મંચ પર થઈ શકે છે. એમવીએની બેઠકો એક-બીજાને કારણે વધી છે એમ પણ તેમણે કહ્યું હતું.
એમપીસીસીના અધ્યક્ષ નાના પટોલેએ રાઉતના નિવેદન પર જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં એમવીએ એક થઈને લડશે. બેઠકોની વહેંચણી અંગે કોઈ વિવાદ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે મુખ્ય પ્રધાનપદનો નિર્ણય ચૂંટણી બાદ વરિષ્ઠો દ્વારા લેવામાં આવશે.
એનસીપી (એસપી)ના નેતા જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે એમવીએના ઘટકપક્ષોના નેતાએ મુખ્ય પ્રધાનપદ અંગે ચૂંટણી પહેલાં બોલવાનું ટાળવું જોઈએ. જે પાર્ટી વધુ વિધાનસભ્યો જીતાડે તેના આધારે મુખ્ય પ્રધાનપદ નક્કી કરી શકાશે.