આમચી મુંબઈમહારાષ્ટ્ર

તમિળનાડુથી લવાયેલું રૂ. બે કરોડનું હશિશ ઓઇલ બાંદ્રાથી જપ્ત: બે જણની ધરપકડ

મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) તમિળનાડુથી લવાયેલું રૂ. બે કરોડની કિંમતનું હશિશ ઓઇલ બાંદ્રાથી પકડી પાડીને બે જણની ધરપકડ કરી હતી.

એએનસીના આઝાદ મેદાન યુનિટના સ્ટાફે મળેલી માહિતીને આધારે ગુરુવારે બાંદ્રા વિસ્તારમાં કે. સી. રોડ પર છટકું ગોેઠવીને બે જણને શંકાને આધારે તાબામાં લીધા હતા.

બંને જણની ઝડતી લેવામાં આવતાં તેમની પાસેથી બે કિલો હશિશ ઓઇલ મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. બે કરોડ છે. હશિશ ઓઇલ તમિળનાડુથી લાવવામાં આવ્યું હતું, એવું પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું.

દરમિયાન બંને શખસ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરાઇ હતી. પકડાયેલા બંને આરોપી હશિશ ઓઇલ બાંદ્રામાં કોને વેચવા માટે આવ્યા હતા, તેની તપાસ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં આ પ્રથમ જ વખત પોલીસ દ્વારા કમર્શિયલ ક્વોન્ટિટીમાં હશિશ ઓઇલ પકડી પાડવામાં આવ્યું છે. હશિશ ઓઇલ એટલે કે ભાંગનું તેલ એક કોન્સન્ટ્રેટેડ કેફી પદાર્થ છે જેને ધૂમ્રપાન કરી શકાય, ખાઇ શકાય અને શરીર પર ઘસી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button