મુંબઈ એરપોર્ટ પરથી રુપિયા પાંચ કરોડનો ગાંજો પકડાયો: ત્રણની ધરપકડ
વિવિધ ખાદ્યપદાર્થનાં પેકેટ્સમાં છુપાવાયો હતો નશીલો પદાર્થ
મુંબઈ: કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (એઆઇયુ)ની ટીમે મુંબઈ એરપોર્ટ પર રૂ. પાંચ કરોડની કિંમતનો ગાંજો પકડી પાડી પ્રવાસી સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. ગાંજો વિવિધ ખાદ્યપદાર્થના પેકેટ્સમાં છુપાવીને વિદેશી લાવવામાં આવ્યો હતો.
એઆઇયુના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ યુસુફ નૂર (37), સમીર (42) તેમ જ અબ્દુલ સબિથ (29) તરીકે થઇ હતી. યુસુફ નૂર દિલ્હીનો, જ્યારે સમીર અને અબ્દુલ કેરળના રહેવાસી છે. ત્રણેયને રવિવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
આ પણ વાંચો: મુંબઇ એરપોર્ટ પર રૂ. 10 લાખનો ગાંજો જપ્ત: પ્રવાસીની ધરપકડ
બેંગકોકથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં શનિવારે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવેલા યુસુફ નૂરને એઆઇયુના અધિકારીઓએ શંકાને આધારે આંતર્યો હતો. તેના સામાનની તલાશી લેવામાં આવતાં ટ્રોલી બેગમાંથી કોર્ન ફ્લેક્સ, રોસ્ટેડ કોર્ન, કેક જેવા વિવિધ ખાદ્યપદાર્થનાં 10 પેકેટ્સ મળી આવ્યાં હતાં. પેકેટ્સની ચકાસણી કરવામાં આવતાં તેમાંથી 4.890 કિલો ગાંજો મળી આવ્યો હતો.
યુસુફ નૂરની પૂછપરછમાં એ નશીલો પર્દાથ એરપોર્ટની બહાર બે જણ લેવા માટે આવવાના હોવાનું જાણવા મળ્યું હતું. આથી અધિકારીઓ તુરંત એરપોર્ટની બહાર ગયા હતા અને ત્યાંથી સમીર તથા અબ્દુલ સબિથને તાબામાં લીધા હતા.
ઉલ્લેખનીય છે કે કસ્ટમ્સ વિભાગે શનિવારે સોનાની દાણચોરી બદલ ભારતીય દંપતીની ધરપકડ કરી હતી, જે જેદ્દાહથી આવ્યું હતું. દંપતી પાસેથી રૂ. 1.87 કરોડનું સોનું મળી આવ્યું હતું, જે ટ્રોલી બેગમાં છુપાવવામાં આવ્યું હતું.