આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્ર

પાર્ટ ટાઈમ જૉબને બહાને છેતરપિંડી કરનારી ટોળકી ઓડિશામાં ઝડપાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
પાર્ટ ટાઈમ જૉબને બહાને ટાસ્ક ફ્રોડમાં સપડાવી નાગરિકોની છેતરપિંડી કરનારી ટોળકીને મુંબઈની સાયબર પોલીસે ઓડિશામાં પકડી પાડી હતી.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ પ્રમોદકુમાર રવીન્દ્ર બેહેરા (26), રાકેશકુમાર હરિરામ ચૌધરી (25), સુવેન્દૂ નિરંકર દાસ (30), જયદીપ અમરકુમાર પરિડા (24) અને મનોજકુમાર અદિચરમ રાઉત (29) તરીકે થઈ હતી. બીકેસી સાયબર પોલીસમાં નોંધાયેલી 43.62 લાખ રૂપિયાની ઑનલાઈન છેતરપિંડીના કેસમાં પાંચેયની ધરપકડ કરાઈ હતી.

આરોપીઓ પાસેથી વિવિધ બૅન્કનાં 104 એટીએમ કાર્ડ, બૅન્કની 47 પાસબુક, 23 ચેકબુક, 11 મોબાઈલ ફોન, 10 સિમ કાર્ડ અને બૅન્ક મૅનેજરનો સ્ટૅમ્પ હસ્તગત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: 147 રોકાણકારો સાથે રૂ. 17.94 કરોડની છેતરપિંડી: એક વર્ષથી ફરાર કંપનીના પ્રોપ્રાઇટરની આંધ્ર પ્રદેશથી ધરપકડ

પોલીસ ફરિયાદ અનુસાર ડિસેમ્બર, 2023થી જાન્યુઆરી 2024 દરમિયાન ફરિયાદી સાથે કથિત છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીએ માર્કેટિંગ કંપનીના હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિના સ્વાંગમાં વ્હૉટ્સઍપ પર ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદીને પાર્ટ ટાઈમ જૉબની લાલચ આપવામાં આવી હતી. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સની લિંક અને યુઝર નૅમ મોકલાવી ફરિયાદીને તેને ફોલો કરવાનું અને તેના સ્ક્રીનશૉટ્સ મોકલવાનું કહ્યું હતું.

આ રીતે અમુક ટાસ્ક પૂરી કરી કર્યા પછી આગલી ટાસ્ક પ્રિપેડ હોવાનું કહ્યું હતું. પ્રિપેડ ટાસ્ક પર ઊંચા વળતરની લાલચ ફરિયાદીને બતાવાઈ હતી. આ રીતે સમયાંતરે ફરિયાદીને વિવિધ બૅન્ક ખાતાંમાં 43.62 લાખથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરવાની ફરજ પડાઈ હતી. બાદમાં ફરિયાદીને તેની કોઈ વળતર મળ્યું નહોતું અને રોકેલાં નાણાં પણ ગુમાવ્યાં હતાં.

આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરતાં આરોપી ઓડિશામાં હોવાની માહિતી મળી હતી. ઓડિશાના ભદ્રક ખાતેથી સ્થાનિક પોલીસની મદદથી આરોપીઓને તાબામાં લેવાયા હતા. આ પ્રકરણે પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button