થાણેમાં ઝાડ તૂટી પડતાં ચાર જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણે (પશ્ર્ચિમ)માં ખાર્ટન રોડ પર રવિવારે બપોરના ફૂલની દુકાન પર એક ઝાડ તૂટી પડવાની ઘટના બની હતી, જેમાં બે ટીનએજર સહિત ચાર લોકો જખમી થયા હતા.
થાણે (પશ્ર્ચિમ)માં ખાર્ટન રોડ પર ખંડોબા મંદિર પાસે જવાહરબાગ ફાયર સ્ટેશન પાછળ ફૂલ વેચનારી નાની દુકાન પર બપોરના બે વાગે ઝાડ તૂટી પડ્યું હતું, તેની જાણ થતા ફાયરબ્રિગેડ, પોલીસ અને પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
થાણે મહાનગરપાલિકાના થાણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારી યાસીન તડવીના જણાવ્યા મુજબ દુકાન પર ઝાડ તૂટી પડવાને કારણે ચાર લોકો જખમી થયા હતા. તેમને પાલિકા સંચાલિત કલવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
ફૂલની દુકાન પર ઝાડ તૂટી પડ્યા બાદ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયરબ્રિગેડના અધિકારીના કહેવા મુજબ ઝાડ મોટું હોવાથી તેને હટાવવા માટે ટ્રી ઓથોરિટીની મદદ લેવી પડી હતી. ઝાડ હટાવ્યા બાદ જખમીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
જખમીઓમાં ૪૫ વર્ષની મેઘના અડસુળે, ૧૬ વર્ષની ઉન્નતી અડસુળે, ૧૫ વર્ષની સાંચી અડસુળે અને ૭૫ વર્ષના ઉમેશ હોનમાને જખમી થયા હતા.
એ અગાઉ થાણે (પશ્ર્ચિમ)માં કલવામાં આઈ નગરમાં શંકર મંદિર પાસે પણ સવારના ૧૦.૧૬ વાગ્યાની આસપાસ ખુલ્લી જગ્યામાં રહેલા ઝૂંપડા પર ઝાડ તૂટી પડ્યું હતું. જોકે તેમાં કોઈ જખમી થયું નહોતું. ફાયરબ્રિગેડના કહેવા મુજબ શંકર મંદિર પાસે મજૂરો માટે તાત્પૂરતા સ્વરૂપમાં ઊભા કરેલા બે ઝૂંપડા પર ઝાડ તૂટી પડ્યું હતું. ઝાડ તૂટી પડવાથી ઝૂંપડાને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જોકે સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.