રાષ્ટ્રીય મહિલા આયોગના નવા અધ્યક્ષ વિજયા કિશોર રહાટકરને ઓળખો

કેન્દ્ર સરકારે ઔરંગાબાદમાં રહેતા વિજયા કિશોર રહાટકરને રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ રેખા શર્માનું સ્થાન લેશે. શનિવારે કેન્દ્ર સરકારે આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડ્યું હતું. રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ, 1990 ની કલમ 3 મુજબ, રાહટકર ત્રણ વર્ષના સમયગાળા માટે અથવા 65 વર્ષની વય સુધી, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આ પદ સંભાળશે.
વિજયા કિશોર રહાટકરની નિમણૂક સાથે, સરકારે NCWમાં નવા સભ્યોની નિમણૂક પણ કરી છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની સત્તાવાર સૂચના અનુસાર, ડૉ. અર્ચના મજુમદારને ત્રણ વર્ષના કાર્યકાળ માટે કમિશનના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિજયા રહાટકર હાલમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય સચિવ અને પાર્ટીના રાજસ્થાન એકમના સહ-પ્રભારી તરીકે સેવા આપે છે.
તેમણે છેલ્લા કેટલાક દાયકાઓમાં ભાજપ સંગઠનમાં ઘણા મહત્વના હોદ્દા સંભાળ્યા છે અને પક્ષ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીઓ નિભાવી છે. રહાટકર 1995માં બૂથ કાર્યકર તરીકે ભાજપમાં જોડાયા હતા અને ધીમે ધીમે આગળ વધ્યા હતા. તેમણે 2000 થી 2010 સુધી ઔરંગાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓ 2007 થી 2010 સુધી ઔરંગાબાદના મેયર તરીકે ચૂંટાયા હતા.
વિજયા રાહટકર ઔરંગાબાદના રહેવાસી છે. તેમણે ભૌતિકશાસ્ત્રના વિષય સાથે વિજ્ઞાનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી છે અને પુણે યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં માસ્ટર્સ કર્યું છે.
આપણ વાંચો: રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષ વિરુધ્ધ ચૂંટણી પંચમાં TMC કરશે ફરિયાદ
વિજયા રહાટકર સામાજિક કાર્યો સાથે પણ જોડાયેલા છે. મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગ (2016-2021) ના અધ્યક્ષ તરીકે, તેમણે એસિડ એટેક પીડિતાઓ માટેના ‘સક્ષમા’ સ્વ-સહાય જૂથોને કેન્દ્ર સરકારની યોજનાઓ સાથે જોડવા માટે ‘પ્રજ્વ્લા’ અને મહિલાઓ માટે 24×7 હેલ્પલાઇન સેવા ‘સુહિતા’ જેવી પહેલનું નેતૃત્વ કર્યું હતું.
તેમણે ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમો પણ શરૂ કર્યા અને મહિલાઓના મુદ્દાઓને સમર્પિત ‘સાદ’ નામનું પ્રકાશન શરૂ કર્યું હતું. તેઓ 2007 થી 2010 સુધી છત્રપતિ સંભાજીનગરના મેયર પણ રહી ચુક્યા છે.
NCW ચીફ તરીકે રેખા શર્માનો કાર્યકાળ 6 ઓગસ્ટના રોજ પૂરો થયો હતો. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, ‘આ નવ વર્ષ મારા માટે રોલર કોસ્ટર રાઈડ જેવા રહ્યા છે. સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી NCWમાં 3 ટર્મ સેવા સુધીમાં મેં ઘણી લાંબી મજલ કાપી છે. .
ઓગસ્ટ 2015માં રેખા શર્મા NCWના સભ્ય તરીકે જોડાયા હતા. તેમને 29 સપ્ટેમ્બર, 2017 સુધી NCW અધ્યક્ષ તરીકેનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. તેઓ સત્તાવાર રીતે 2018 માં NCWના અધ્યક્ષ બન્યા હતા અને ત્યારથી 6 ઓગસ્ટ, 2024 સુધી તેમણે આ પદ સંભાળ્યું હતું.