8.66 કરોડનું કોકેન ભરેલી કૅપ્સ્યૂલ્સ ગળીને આવેલો વિદેશી નાગરિક એરપોર્ટ પર પકડાયો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

8.66 કરોડનું કોકેન ભરેલી કૅપ્સ્યૂલ્સ ગળીને આવેલો વિદેશી નાગરિક એરપોર્ટ પર પકડાયો

મુંબઈ: 8.66 કરોડ રૂપિયાની કિંમતનું કોકેન ભરેલી કૅપ્સ્યૂલ્સ ગળીને આવેલા વિદેશી નાગરિકને કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પરથી પકડી પાડ્યો હતો.

છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 24 મેની રાતે ફ્લાઇટમાં યુગાન્ડાથી આવેલા વિદેશી પ્રવાસીને કસ્ટમ્સના અધિકારીઓએ શંકાને આધારે આંતર્યો હતો. પ્રવાસીની પૂછપરછ કરવામાં આવતાં તે ગભરાઇ ગયો હતો અને તેના પેટમાં ડ્રગ્સ ભરેલી કૅપ્સ્યૂલ્સ હોવાનું તેણે કબૂલ કર્યું હતું. આથી તેને જે. જે. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

આપણ વાંચો: 22.30 કરોડનું કોકેન, પોણાત્રણ લાખની રોકડ, વિદેશી ચલણ જપ્ત: બે વિદેશી નાગરિક સહિત ભાયંદરની મહિલાની ધરપકડ

હોસ્પિટલમાં તેના પેટમાંથી કૅપ્સ્યૂલ્સ કઢાવતાં ત્રણ દિવસ લાગ્યા હતા. બુધવાર સુધી તેણે બધી કૅપ્સ્યૂલ્સ બહાર કાઢી હતી. એ કૅપ્સ્યૂલ્સમાંથી ઉચ્ચ ગુણવત્તાનું 866 ગ્રામ કોકેન મળી આવ્યું હતું, જેની કિંમત 8.66 કરોડ રૂપિયા થાય છે.

દરમિયાન પ્રવાસી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રવાસીને આ ડ્રગ્સ કોણે આપ્યું હતું અને તે મુંબઈમાં કઇ વ્યક્તિ સુધી પહોંચાડવાનો હતો, તેની તપાસ કરવામાં આવી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Back to top button