મુંબઈમાં ફ્લેટ, લોનાવાલામાં જમીન જપ્ત કરતી ઈડી
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ રૂ. 263 કરોડના ઈન્કમ ટેક્સ રિફન્ડ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે આઈપીએસ ઓફિસરના પતિ સહિત વિવિધ વ્યક્તિઓની મહારાષ્ટ્રમાં રહેલી સંપત્તિઓને જપ્ત કરી હતી, એમ એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ઈડીએ મુંબઈમાં પુરષોત્તમ ચવાણનો ફ્લેટ, રાજેશ બ્રિજલાલ બાતરેજાની લોનાવાલા અને ખંડાલામાં આવેલા જમીનના પ્લોટ, અનિરુદ્ધ ગાંધીની એક કંપનીની બેંક ડિપોઝિટો, આરોપી રાજેશ શેટ્ટી અને ભૂષણ અનંત પાટીલની ઈન્સ્યુરન્સ પોલિસીઓ અને લગભગ રૂ. 14.02 કરોડની ફિક્સ્ડ ડિપોઝિટો જપ્ત કરવામાં આવી હતી, એમ એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ચવાણ આઈપીએસ ઓફિસરના પતિ છે. આ પ્રોપર્ટીઓ જપ્ત કરવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ આદેશ બહાર પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ‘ગેરકાયદે’ ફોરેક્સ ટ્રેડિંગ ઍપ કેસમાં ઈડીએ કરી ટીવી કલાકારોની પૂછપરછ
આ મની લોન્ડરિંગ કેસનો પાયો સીબીઆઈ દ્વારા રૂ. 263.95 કરોડના ખોટા ટીડીએસ ઊભા કરીને ઈન્કમ ટેક્સ રિફન્ડ આપવાના કૌભાંડમાં ભૂતપૂર્વ સિનિયર ટેક્સ આસિસ્ટન્ટ તાનાજી મંડલ અધિકારી સામે દાખલ કરવામાં આવેલા એફઆઈઆરમાં છે.
બાતરેજાએ અધિકારી અને અન્યોને ગુનાની રૂ. 55.50 કરોડની રકમ ગાંધીની મદદથી દેશની બહાર લઈ જવામાં મદદ કરી હતી, એમ ઈડીનું કહેવું છે. (પીટીઆઈ)