આમચી મુંબઈમહારાષ્ટ્ર

ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાનું કહી રોકડ લૂંટનારા પાંચ પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ખારમાં એટીએમ સેન્ટરમાંના સીડીએમ મશીનમાં રૂપિયા જમા કરાવવા ગયેલા વકીલને ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાનું કહી પાંચ લાખની રોકડ લૂંટવાના કેસમાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી.

ખાર પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ સંદેશ દત્તારામ માલાડકર (51), પ્રફુલ્લ શંકર મોરે (46), વિકાસ શ્રીધર સુર્વે (39), ચેતન કેમ્પે ગૌડા (34) અને દર્શન મહેશ ગાયનિક (43) તરીકે થઈ હતી. ધરપકડ કરાયેલા આરોપીઓને કોર્ટે 18 સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

પોલીસ ફરિયાદ અનુસાર ઘટના રવિવારની સવારે 7 વાગ્યાની આસપાસ બની હતી. બાન્દ્રા પશ્ર્ચિમમાં રહેતા ફરિયાદી તૌસિફ શેખના ભાઈ કાદીરનો મની ટ્રાન્સફરનો વ્યવસાય હોવાથી શનિવારે ફરિયાદીને 5.70 લાખ રૂપિયા ગ્રાહકના બૅન્ક ખાતામાં જમા કરાવવા આપ્યા હતા.

આપણ વાંચો: થાણેમાં જ્વેલર્સને લૂંટવા આવેલા લૂંટારાઓનો હવામાં ગોળીબાર

રવિવારે સવારે ખાર 16મા રોડ ખાતે આવેલા રાષ્ટ્રીયકૃત બૅન્કના એટીએમ સેન્ટરમાં જઈ ફરિયાદીએ એક ગ્રાહકના ખાતામાં 70 હજાર રૂપિયા સીડીએમ મશીનથી ભર્યા હતા. રૂપિયા ભરીને ફરિયાદી બહાર નીકળ્યો ત્યારે આરોપીઓએ તેને રોક્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાનું જણાવી તપાસ માટે સાથે આવવાનું ફરિયાદીને કહેવામાં આવ્યું હતું. ફરિયાદીને એક કારમાં બેસાડી સાંતાક્રુઝ પશ્ર્ચિમમાં લઈ ગયા પછી કારમાંથી ઉતારી મૂકવામાં આવ્યો હતો અને પાંચ લાખની રોકડ ભરેલી બૅગ સાથે આરોપી કાર-બાઈક પર ફરાર થઈ ગયા હતા.

આ પ્રકરણે ગુનો નોંધી પોલીસે આરોપી જે દિશામાં ગયા ત્યાંના 30થી 40 સ્થળે લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી આરોપીઓની ઓળખ મેળવી હતી. મુખ્ય આરોપી માલાડકરને સિંધુદુર્ગના આચરા ખાતેથી બાઈક સાથે પકડી પાડવામાં આવ્યો હતો.

તેણે આપેલી માહિતી પરથી ચાર સાથીને અંધેરીની એક હોટેલમાંથી તાબામાં લેવાયા હતા. આરોપીઓ પાસેથી 3.30 લાખની રોકડ અને બાઈક હસ્તગત કરવામાં આવી હતી. આરોપી સંદેશ અને પ્રફુલ્લ વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા હોવાનું તપાસમાં જણાયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button