પહેલાં માતાનું નામ પછી પિતાનું: અજિત પવાર
રાજ્ય સરકાર દસ્તાવેજો પર નામકરણની પદ્ધતિમાં કરશે સુધારો
મુંબઈ: રાજ્ય સરકાર દ્વારા ચોથી મહિલા નીતિ અપનાવવા જઈ રહી છે, એવો સંકેત આપતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે રવિવારે બારામતીમાં કહ્યું હતું કે છોકરા-છોકરીઓના નામમાં હવે પોતાના નામ પછી પહેલાં માતાનું અને ત્યારબાદ પિતાનું નામ અને પછી અટક લખવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે સોશ્યલ મીડિયા પર અનેક લોકો પોતાના નામમાં ચાર શબ્દો રાખે છે, જેમાં માતા અને પછી પિતાનું નામ લખવામાં આવતું હોય છે. મહારાષ્ટ્ર સરકારે અનેક સરકારી દસ્તાવેજોમાં પિતાની સાથે માતાનું નામ લખવાનું પણ ફરજિયાત કરી નાખ્યું છે. હવે આ દિશામાં નવું પગલું લેવામાં આવી રહ્યું છે.
આપણા રાજ્યમાં મહિલાઓને તક આપવામાં આવી રહી છે. આપણે ચોથી મહિલા નીતિ ઘડી કાઢી છે. મહિલા પ્રધાન હોવાતી તેમને પણ આની માહિતી હતી. તમને પણ થોડા સમયમાં આની માહિતી મળશે. અત્યાર સુધી મારું નામ અજિત અનંતરાવ પવાર એમ લખવામાં આવતું હતું. હવે પછી છોકરા કે છોકરીનું નામ, તેના પછી માતાનું નામ, તેના પછી પિતાનું નામ અને પછી અટક આવી રીતે આખું નામ લખવાનું રહેશે, એમ અજિત પવારે કહ્યું હતું.
નાણાં પ્રધાન તરીકે એક માહિતી આપું છું કે તમને એકાદ ફ્લેટ લેવો હોય તો પુરુષના નામે લેશો તો છ ટકા કર લાગશે, પરંતુ મહિલાના નામે ફ્લેટ લેશો તો એક ટકો રાહત મળે છે. આમ તમારા ફ્લેટની કિંમત પચાસ લાખ હોય તો તમારા પચાસહજાર રૂપિયા બચી જશે. આથી તમારે ઘર જોઈતું હોય તો તમારા પતિને કહો કે મારા નામ પર ઘરની ખરીદી કરો, તેનાથી પૈસા બચશે.
રાજ્યના મહિલા વિકાસ ખાતાના પ્રધાન અદિતી તટકરેએ કહ્યું હતું કે આજે બધા જ ક્ષેત્રોમાં મહિલા આગળ વધી રહી છે. કુટુંબ કેવી રીતે સંભાળવું તેની જાણકારી મહિલાઓ પાસે છે. તેઓ પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે અલ્પ બચત તરફ વળ્યા છે, પરંતુ તેનાથી બધી આવશ્યકતા પૂરી થઈ શકતી નથી. આથી મહિલાને સક્ષમ કેવી રીતે બની શકે તે માટે પ્રયાસો કરવાની આવશ્યકતા છે.