વિદ્યાવિહાર સ્ટેશન બહારના તક્ષશિલા બિલ્ડિંગમાં ભીષણ આગ,રહેવાસીઓને બચાવવા જતા સિક્યોરિટી ગાર્ડે જીવ ગુમાવ્યો
બીજા માળે લાગેલી આગમાં ચાર જખમી: રહેવાસીઓ સલામત બહાર આવી ગયા

મુંબઈ: વિદ્યાવિહાર (પશ્ર્ચિમ)માં સ્ટેશનની બહાર આવેલી ૧૩ માળની તક્ષશિલા બિલ્ડિંગમાં સોમવારે વહેલી સવારે લાગેલી આગ બુઝાવવા માટે બિલ્ડિંગનો ૪૩ વર્ષનો સિક્યોરિટી ગાર્ડ ઉદય ગંગન લિફ્ટ ખોલીને જેવો બીજા માળા પર ગયો ત્યાં ભીષણ આગ અને ધુમાડાને કારણે તે ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. આખા માળ પર ફેલાઈ ગયેલી આગમાં ફસાઈ જતા ૧૦૦ ટકા દાઝી જવાથી કમનસીબે તેનું મૃત્યુ થયું હતું. તો બીજા માળ પર જેના ઘરે આગ લાગી હતી તેના ઘરના સભ્યો સહિત પહેલા અને બીજા માળના સમયસર બહાર નીકળી જતા સદ્નસીબે બચી ગયા હતા. એ સિવાય બિલ્ડિંગના આઠમા માળ પરના રેફ્યુજ એરિયામાં ફસાઈ ગયેલા ૧૫થી ૨૦ લોકોને ફાયરબ્રિગેડે બચાવી લીધા હતા. આગની દુર્ઘટનામાં અન્ય ચાર લોકો દાઝી ગયા હતા તેમની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
વિદ્યાવિહાર (પશ્ર્ચિમ)માં સ્ટેશન બહાર નાથાણી રોડ પર આવેલી સાત બિલ્ડિંગોના વિશાળ કૉમ્પ્લેક્સમાં ૧૩ માળની તક્ષશિલા કૉ-ઑપરેટિવ બિલ્િંડગમાં સોમવારે વહેલી સવારના ૪.૩૫ વાગે બીજા માળા પર ફ્લેટ નંબર ૨૦૧માં રહેતા જિતેન્દ્રભાઈ જૈનના ઘરમાં આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતા જ તેઓ ઘરના બાકીના સભ્યો સહિત બહાર નીકળી આવ્યા હતા અને તેમના આજુબાજુના ફ્લેટના લોકોને પણ આગની જાણ કરીને તેઓ લોકો પર તરત સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. આ દરમ્યાન ફાયરબિગ્રેડને આગની જાણ થતા તે ઘટનાસ્થળે આવી પહોંતી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
આ દરમ્યાન આગ લાગી હોવાની જાણ થતા બિલ્િંડગનો સિક્યોરિટી ગાર્ડ ઉદય ગંગન આગ બુઝાવવા માટે ફાયર સેફટી ઉપકરણ સાથે તરત લિફ્ટમાં ઉપર દોડી ગયો હતો. જોકે આગ આખા માળ પર ફેલાઈ ગઈ હોવાથી તે આગની ચપેટમા આવી ગયો હતો અને ફસડાઈ પડયો હતો. આ દરમ્યાન આગ બીજા માળ પરથી ફેલાઈને પહેલા અને બીજા ત્રીજા અને ચોથા માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગને કારણે આખી બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ જતા ચોથા માળથી ઉપરના લોકો બચવા માટે નીચે આવવાને બદલે આઠમા માળ પર રહેલા રેફ્યુજ એરિયામાં ગયા હતા અને ત્યાં ઉપરના માળના લગભગ ૧૫થી ૨૦ લોકો ફાયરબ્રિગેડની રાહ જોતા ઊભા હતા.
આ પણ વાંચો:મુંબઈમાં ટ્રાફિક વિભાગનો સપાટોઃ 13 મહિનામાં 526 કરોડ રુપિયાનો દંડ વસૂલ્યો, પણ…
આગ લાગ્ચા બાદ તરત ઘટનાસ્થળે પહોંચી ફાયરબ્રિગેડે બિલ્ડિંગના પહેલા માળ પર રહેલા પોડિયમના હિસ્સામાં પહોંચીને ચારે તરફથી આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરી દીધી હતી. બિલ્ડિંગની ફાયર સેફટી સિસ્ટમ પણ કામ કરતી હતી.
બિલ્િંડગના રહેવાસીના જણાવ્યા મુજબ આગની જાણ થતા સિક્યોરિટી ગાર્ડ ઉપર ગયો હતો એ દરમ્યાન બાવન વર્ષનો બિલ્ડિંગનો સુપરવાઈઝર સભાજીત યાદવ પણ લોકોને બચાવવા માટે મદદ કરી રહ્યો હતો.
જોકે બચાવ કામગીરી દરમ્યાન એ પચીસથી ૩૦ ટકા દાઝી ગયો હતો તેના પર રાજાવાડી હૉસ્પિટમાં સારવાર ચાલી રહી છે. તો ફાયરબ્રિગેડ જયારે બીજા માળા પર પહોંચી હતી ત્યારે સિકયોરિટી ગાર્ડ ૧૦૦ ટકા દાઝેલી હાલતાં મળ્યો હતો. તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જયાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. બીજા માળ પર રહેતા ૭૩ વર્ષના સિનિયર સિટિઝન કમલા રમેશ જૈનને જમણા હાથમાં ઈજા પહોંચી હતી.જયારે ૪૬ વર્ષના જિતેન્દ્ર જૈન (કોઠારી) મામૂલી માત્રામાં દાઝી ગયા હતા. તેમને બિલ્ડિંગમાં જ રહેતા ડૉકટરે પ્રાથમિક સારવાર આપી હતી.
આ દરમ્યાન ફાયરબ્રિગેડે બિલ્ડિંગના ઉપર આઠમા માળે રેફ્યુજ એરિયામાં ઊભા રહેલા ૧૫થી ૨૦ લોકોને લેડરથી બચાવી લીધા હતા. આગમાં ૨૦૧ નંબરના ફ્લેટ આખો બળીને ખાખ થઈ ગયો હતો. તો પહેલા માળા પર બીજા માળા પર આવેલા પાંચ ફ્લેટને નુકસાન થયું હતું. લગભગ ત્રણ કલાકે ૭.૩૩ વાગ્યાની આસપાસ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોક કૂલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યું હતું.
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં એસીમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાઈ આવ્યું હતું. જોકે તપાસ બાદ ચોક્કસ કારણ જાણી શકાશે.
આ પણ વાંચો:કુનાલ કામરાએ જણાવ્યું કે શા માટે તેણે શિંદે પર કરી કોમેન્ટ: ફડણવીસ-ઉદ્ધવે આપ્યું નિવેદન…
બિલ્ડિંગના પદાધિકારીના જણાવ્યા મુજબ ઉનાળો હોવાથી મોટાભાગના લોકોના એરકન્ડિશન ચાલુ રહેતા હોય છે. કદાચિત શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોઈ શકે છે. જોકે ફાયરબ્રિગેડ જ ચોક્કસ કારણ જણાવી શકશે.પેસેજ મોટો હોવાથી સામેના ફ્લેટમાં જતા રહેલા જયાં આગ પહોંચી નહોતી શકી.ધુમાડાને કારણે રેફ્યુજ એરિયામાં નહીં જવાયું
તક્ષશિલા કૉ-ઑપરેટિવ બિલ્િંડગમાં ચોથા માળા પર ૪૦૨ નંબરના ફ્લેટમાં રહેતા પરેશ દવેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે વહેલી સવારના આગ લાગી ત્યારે મોટાભાગના લોકો ભર ઊંઘમાં હતા.
જોકે બીજા માળના ર૦૧માં આગ લાગી હોવાની જાણ થતા પહેલા અને બીજા માળના લોકો સદ્નસીબે નીચે ઊતરી જતા બચી ગયા હતા. જોકે આગ ઝડપભેર ત્રીજા અને ચોથા માળ પર ફેલાઈ ગઈ હતી અને મારા ઘર સુધી આવી ગઈ હતી. આગને કારણે ધુમાડા ફેલાઈ ગયા હતા. એટલે આજુબાજુ કશું દેખાતું નહોતું એટલે લોકો માટે ઉપર આઠમા માળ પર આવેલા રેફ્યુજ એરિયામાં જવું મુશ્કેલ બની ગયું હતું. એક માળ પર છ ફ્લેટ છે. સામ-સામે ત્રણ-ત્રણ ફલેટ હોવાથી અને વચ્ચે પેસેજમાં ખાસ્સી એવી જગ્યા હોવાથી સામેના ફ્લેટ સુધી આગ પહોંચી નહોતી શકી. અમે લોકો સામેના ફલેટમાં આગથી બચવા જતા રહ્યા હતા અને સામેના ઘરમાં જ રહ્યા હતા. સદ્નસીબે ત્યાં સુધી ફાયરબ્રિગેડ આવી ગઈ હતી અને આગ વધુ માત્રામાં ફેલાતી અટકી ગઈ હતી.
પોડિયમને કારણે ફાયદો થયો
વિદ્યાવિહાર પશ્ર્ચિમમાં સ્ટેશનની બહાર આવેલા નીલકંઠ કિંગડમમાં સાત અલગ અલગ બિલ્ડિંગ આવેલી છે, તેમાંની એક તક્ષશિલાના બીજા માળે આગ લાગી હતી. નીલકંઠ કિંગડમમાં જ આવેલી અન્ય બિલ્ડિંગ મગજ કૉ-ઓપરેટિવ સોસાયટીના સેક્રેટરી સંજય મુછાળાએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે તક્ષશિલાના બીજા માળે જિતેન્દ્રભાઈના ઘરે આગ લાગ્યા બાદ તેઓએ પોતાની આજુબાજુના ફલેટ અને પહેલા માળે આવેલા ફ્લેટના લોકોને આગ લાગી હોવાની તરત જાણ કરતા આગ વધુ માત્રામાં ફેલાય તે પહેલા તેઓ બિલ્ડિંગની બહાર સુરક્ષિત રીતે નીકળવા સફળ રહ્યા હતા. તેમાં જિતેન્દ્ર ભાઈ અને તેમના ઘરના સિનિયર સિટિઝન થોડી માત્રામાં દાઝયા હતા.
જયારે આગ બીજા માળ પરથી ઉપર ચોથા માળ સુધી ફેલાઈ ગઈ હોવાથી ઉપરના લોકોએ નીચે આવી શકે તેમ ન હોવાથી તેઓ આઠમા માળના રેફ્યુજ એરિયામાં ફાયરબ્રિગેડની રાહ જોતા ઊભા રહ્યા હતા. ફાયરબ્રિગેડ ઝડપભેર આવી ગઈ હતી અને બિબિલ્ડિંગના પહેલા માળા પર પોડિયમ છે અને તેનાથી લગભગ પાંચ ફૂટ ઉપર જ બીજો માળ લાગતો પોડિયમ વિસ્તારમાં ફાયરબ્રિગેડ પહોંચી ગઈ હતી અને ત્યાંથી ચારે તરફથી પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવવા તેમને ખાસ્સો એવો ફાયદો થયો હતા. આ દરમ્યાન ફાયરબ્રિગેડના બાકીના જવાનોએ આઠમા માળ પરથી ઉપરના માળના ૧૫થી ૨૦ રહેવાસીઓને લેડરથી બહાર કાઢીને બચાવી લીધા હતા. પરંતુ બદ્નસીબે બિલ્િંડગનો સિક્યોરીટી ગાર્ડ આગ બુઝાવવા માટે અને રહેવાસીઓને બચાવવા માટે લિફ્ટથી ઉપર બીજા માળે ગયો અને આગમાં ફસાઈ જવાથી તેનું મોત થઈ ગયું જે અત્યંત દુખદ ઘટના છે.
આ પણ વાંચો:કોલસાથી પ્રદૂષણ થાય છે કે નહીં નક્કી કરોઃ હાઇ કોર્ટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને લગાવી ફટકાર
ફાયર સૅફટીના સાધન લઈ લિફ્ટથી ઉપર ગયો ને…
ભૂતપૂર્વ નગરસેવિકા બિંદુ ત્રિવેદીએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે આગ લાગ્યા બાદ લોકો પેનિક થઈ ગયા હતા અને અમુક લોકો જીવ બચાવવા બિલ્ડિંગની નીચે ભાગી આવ્યા હતા, તેમાં તેઓ જખમી થયા હતા. તો સિક્યોરિટી ગાર્ડને આગ એટલી ભીષણ હશે એવો અંદાજ નહોતો એટલે કે તે ફાયર સેફટી સાધન લઈને બીજાને બચાવવા માટે બીજા માળે આગ બુઝાવવા લિફ્ટથી ઉપર ગયો અને આગની ચપેટમાં આવી જતા મોતને ભેટયો હતો.