આમચી મુંબઈમહારાષ્ટ્ર
મલાડમાં શોપિંગ સેન્ટરમાં આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડ (પશ્ર્ચિમ)માં જૈન મંદિર રોડ પર આવેલા ગ્રાઉન્ડ પ્લસ બે માળના એક્મે શોપિંગ સેન્ટરમાં પહેલા માળે એસી યુનિટમાં બુધવારે સાંજે આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ એકમે ગ્રાઉન્ડ પ્લસ બે માળના શોપિંગ સેન્ટરના પહેલા માળા પર આવેલા એક ગાળાના એસી યુનિટમાં સાંજે ૬.૫૦ વાગે અચાનક આગ ફાટી નીકળી હતી.
આગની જાણ થતા ફાયરબ્રિગેડના પાંચ ફાયર એન્જિન, એક વોટર ટેન્કર, ચાર જેટી સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સાત વાગ્યાની આસપાસ આગને એક નંબરની જાહેર કરવામાં આવી હતી. આગ પહેલા માળે એસી યુનિટમાં લાગ્યા બાદ તે ફેલાઈ ગઈ હતી. મોડે સુધી આગ બુઝાવવાનું કામ ચાલુ રહ્યું હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.