મધ્ય રેલવેના LTT સ્ટેશન પર ફાટી નીકળી આગ
મુંબઈઃ મધ્ય રેલવેના મહત્ત્વના રેલવે સ્ટેશન પૈકી એક એવા લોકમાન્ય ટિળક ટર્મિનસ સ્ટેશન પર અચાનક આગ ફાટી નીકળી હતી. બપોરના સમયે બનેલી આ ઘટનાને કારણે રેલવે કર્મચારીઓ અને પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.
મુંબઈ અને મુંબઈગરા માટે રેલવે તેમ જ રેલવે સ્ટેશન ખૂબ જ મહત્ત્વના છે. મળી રહેલી માહિતી પ્રમાણે બુધવારે બપોરે લોકમાન્ય ટિળક ટર્મિનસ સ્ટેશનના બુકિંગ કાઉન્ટર અને વેઈટિંગ હોલમાં આ આગ ફાટી નીકળી હતી. આગ લાગી હોવાની માહિતી મળતાં જ અગ્નિશામક દળના જવાનો ઘટનાસ્થળે જવા માટે રવાના થયા હતા અને આગ પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા.
આગનો વીડિયો જોતા જ તમને આ આગ કેટલી ભીષણ હતી એની જાણ થશે. આગ લાગતા જ લોકમાન્ય ટિળક ટર્મિનસ ખાતે પ્રવાસીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસ દ્વારા પ્રવાસીઓને આગ લાગતા સ્ટેશનની બહાર કાઢવામાં આવ્યા હતા અને તમામ પ્રવાસીઓ સુખરૂપ હોવાની માહિતી મળી હતી. આ આગ ચોક્કસ કયા કારણસર લાગી હતી એનું કારણ જાણી શકાયું નહોતું, પરંતુ આ આગમાં કોઈને કોઈપણ પ્રકારની ઈજા પહોંચી નથી.