ગોરેગામના ફ્લૅટમાં આગ: ગૂંગળામણને કારણે માતા-પુત્ર હૉસ્પિટલમાં…

ક્રાફર્ડ માર્કેટમાં પણ બે દુકાન આગમાં સળગી
મુંબઈ: ગોરેગામની ઈમારતના એક ફ્લૅટમાં લાગેલી આગને કારણે ફેલાયેલા ધુમાડાથી ગૂંગળામણ થતાં માતા-પુત્રને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં. મળસકે જ આગની બીજી ઘટના દક્ષિણ મુંબઈના ક્રાફર્ડ માર્કેટ પરિસરમાં બની હતી, જેમાં બે દુકાન સળગી ગઈ હતી.
ફાયર બ્રિગેડના અધિકારીના જણાવ્યા મુજબ ઘટના ગોરેગામ પશ્ર્ચિમમાં સિદ્ધાર્થનગરની અતુલ કોઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બની હતી. સાત માળની ઈમારતના બીજા માળે આવેલા ફ્લૅટમાં બુધવારના મળસકે 3.53 વાગ્યે આગ લાગી હતી.
બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો વૉટર ટૅન્કર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લગભગ કલાકની જહેમત બાદ આગ પૂર્ણપણે બુઝાવાઈ હતી. આગને કારણે ફ્લૅટમાં ધુમાડો ફેલાઈ ગયો હતો, જેને કારણે ફ્લૅટમાં હાજર રમીલા શાહ (65) અને કુણાલ શાહ (40)ને શ્ર્વાસ લેવામાં તકલીફ થઈ હતી.
ગૂંગળામણને કારણે બન્નેનાં સ્વાસ્થ્ય બગડ્યાં હતાં. સારવાર માટે તેમને કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બન્નેનાં સ્વાસ્થ્ય સુધારા પર હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. ફ્લૅટના બેડરૂમમાં ઈલેક્ટ્રિક વાયરિંગમાં આગ લાગી હતી, જેને કારણે ઍર-કન્ડિશનિંગ યુનિટ, લાકડાંના ફર્નિચર, પડદા, પુસ્તકો તેમ જ અન્ય ઘરવખરીને નુકસાન થયું હતું. આગ લાગવાનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું.
દરમિયાન ક્રાફર્ડ માર્કેટની એક દુકાનમાં મળસકે લાગેલી આગની ચપેટમાં બાજુની દુકાન પણ આવી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ચાર વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગમાં ઈલેક્ટ્રિક વાયરિંગ, એસી, ટીવી, સીલિંગ ફેન, સીસીટીવી કૅમેરા, લાકડાંનું ફર્નિચર અને પેટ ફૂડ તેમ જ પ્લાસ્ટિક શીટ્સ બળી ગઈ હતી, એમ ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)
આ પણ વાંચો…કુર્લામાં ઓટો પાર્ટની દુકાનમાં આગ, ૨૦ દુકાનો રાખ, સાડા પાંચ કલાકની જહેમત બાદ આગ નિયંત્રણમાં આવી