મહારાષ્ટ્ર કોંગ્રેસના ‘X’ એકાઉન્ટ પર વાંધાજનક પોસ્ટ: મુંબઈમાં FIR દાખલ…

ભાજપની ફરિયાદ બાદ રમખાણો ફેલાવવાના ઈરાદે ઉશ્કેરણીનો ગુનો નોંધાયો; જાણો પોસ્ટમાં શું હતું
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના સોશિયલ મીડિયા ‘એક્સ’ (અગાઉનું ટવિટર) એકાઉન્ટ પર કથિત વાંધાજનક પોસ્ટ બાદ મુંબઈ પોલીસે એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ રમખાણો ફેલાવવાના ઇરાદાથી ઉશ્કેરણી કરવાના આરોપમાં એફઆઈઆર નોંધી છે.
સત્તારૂઢ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના સોશિયલ મીડિયા સેલના કોઓર્ડિનેટર પ્રકાશ ગડેએ મહારાષ્ટ્ર કોંગ્રેસના સત્તાવાર એક્સ હેન્ડલ પર પોસ્ટ જોઈ મરીન ડ્રાઇવ પોલીસનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદીના જણાવ્યા અનુસાર પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લોકો હદ વટાવી જાય એવું ભાજપે ન કરવું જોઈએ નહીં તો લેહ જેવી પરિસ્થિતિ આખા દેશમાં ફેલાઈ જશે. ભાજપના કાર્યાલયને આગ ચાંપી કેટલાક લોકો હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો લઈને વિવિધ મુદ્દાઓ પર વિરોધ કરી રહ્યા હોવાનો એક સ્કેચ પોસ્ટ સાથે જોડવામાં આવ્યો હતો.
ગડેની ફરિયાદના આધારે મરીન ડ્રાઇવ પોલીસે સોમવારે એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ વિવિધ ભારતીય ન્યાય સંહિતા કલમ 192 (રમખાણો ફેલાવવાના ઇરાદાથી ઇરાદાપૂર્વક ઉશ્કેરણી), 353 (1) (ઇલેક્ટ્રોનિક માધ્યમો સહિત કોઈ પણ નિવેદન, ખોટી માહિતી, અફવા અથવા અહેવાલ પ્રકાશિત કરવો, પ્રસારિત કરવો) અને 353 (2) (ઇરાદાપૂર્વક માહિતી શેર કરવી) હેઠળ કેસ નોંધ્યો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. આ કેસની તપાસ ચાલી રહી છે.
(પીટીઆઈ)
આ પણ વાંચો…મહાનગરપાલિકાની ચૂંટણીમાં બેઠક ફાળવણીમાં શિવસેના સાથે અન્યાય નહીં થાય: શિંદે