આકર્ષક વ્યાજ દરની યોજનાઓ દ્વારા છેતરપિંડીથી બચાવવા રાજ્યમાં નાણાકીય ગુપ્તચર એકમ: દેવેન્દ્ર ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ક્રેડિટ સંસ્થાઓ કે બેંકોમાં થાપણદારોને નિયમો મુજબ ચૂકવવામાં આવતા વ્યાજ કરતાં બમણાં વ્યાજ દર ઓફર કરતી યોજનાઓની જાહેરાત કરીને અને વધુ પડતા વ્યાજ દરની લાલચ આપીને નાગરિકોની થતી છેતરપિંડી અટકાવવા માટે હવે રાજ્યમાં ‘ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ’ની સ્થાપના કરવામાં આવશે, એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં પ્રશ્ર્નકાળ દરમિયાન જણાવ્યું હતું. તેમણે એવી પણ માહિતી આપી હતી કે આ યુનિટ દ્વારા આવી યોજનાની જાહેરાતો વિશેની માહિતી એકત્રિત કરીને થાપણદારોની છેતરપિંડી અટકાવવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.
સભ્ય પ્રકાશ સોલંકેએ જ્ઞાનરાધા મલ્ટીસ્ટેટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની શાખામાં થતી અનિયમિતતાઓ અંગે ઉપસ્થિત કરેલા સવાલના જવાબમાં તેમણે ઉપરોક્ત માહિતી આપી હતી.
આપણ વાંચો: વિદેશ જવાની ઘેલછા ભારે પડી! ઓસ્ટ્રેલીયા-ન્યૂઝીલેન્ડનાં વિઝાનાં બહાને 1.23 કરોડની છેતરપિંડી
ફડણવીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં એવી ફરિયાદો વધી રહી છે કે કેટલીક બહુ-રાજ્ય ક્રેડિટ સંસ્થાઓ થાપણદારો સાથે છેતરપિંડી કરી રહી છે. તેથી, રાજ્ય સરકાર આવી ક્રેડિટ સંસ્થાઓ, બેંકો અને ચિટ ફંડ કંપનીઓને નિયમોના માળખામાં લાવીને થાપણદારોના નાણાંનું રક્ષણ કરવાના પ્રયાસો કરી રહી છે.
સહકારી બેંકોમાં નાના રોકાણકારોની પાંચ લાખ સુધીની થાપણો સુરક્ષિત રહે તે સુનિશ્ર્ચિત કરવા માટે, કેન્દ્ર સરકારને કાયદામાં સુધારો કરવા અથવા કેન્દ્ર સરકારના સહકારી બેંકો પરના કાયદા મુજબ ક્રેડિટ સંસ્થાઓમાં થાપણદારોની થાપણોને સુરક્ષિત રાખવા માટે નવો કાયદો ઘડવા વિનંતી કરવામાં આવશે, એમ પણ તેમણે કહ્યું હતું.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, બીડ જિલ્લાની જ્ઞાનરાધા મલ્ટીસ્ટેટ કો. ઓપ ક્રેડિટ સો.ની રાજ્યભરની પચાસ શાખાઓમાં છેતરપિંડીનો ભોગ બનેલા રોકાણકારોની સંખ્યા 20,802 છે અને તેમની સાથે 1,121.47 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે.
આપણ વાંચો: રેલવેમાં નોકરીને બહાને લાખોની છેતરપિંડી: મહિલા વિરુદ્ધ ગુનો…
આ બેંકના ચેરમેન અને ડિરેક્ટરોએ વારંવાર થાપણદારોને તેમની થાપણો પરત કરવા માટે સમયમર્યાદા આપી હતી, પરંતુ નિર્ધારિત તારીખે થાપણદારોને થાપણો પરત કરવામાં અક્ષમતા જાહેર કરવામાં આવી હતી. ફડણવીસે જણાવ્યું હતું કે આ ક્રેડિટ સંસ્થા દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલા થાપણદારોના પૈસા જપ્ત કરાયેલી મિલકતોની હરાજી કરીને આપવામાં આવશે.
મુખ્ય પ્રધાન ફડણવીસે જણાવ્યું હતું કે જ્ઞાનરાધા મલ્ટીસ્ટેટ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના થાપણદારોની થાપણો પરત કરવા માટે મહારાષ્ટ્ર થાપણદારોના હિત સંરક્ષણ કાયદા હેઠળ 80 મિલકતોની ઓળખ કરવામાં આવી છે.
આ 80 મિલકતો જપ્ત કરવામાં આવશે અને કાયદા મુજબ તેની હરાજી કરવામાં આવશે. આ મિલકતોની કિંમત 6,000 કરોડ રૂપિયા થવા જાય છે. મિલકતની હરાજીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થશે અને થાપણદારોના પૈસા પરત કરવામાં આવશે, એમ તેમણે ખાતરી આપી હતી.