
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વચ્ચે પાછલા ઘણા સમયથી કોલ્ડવોર ચાલી રહ્યું છે. વાસ્તવમાં વાત એવી છે કે, શિવસેનાના નેતા શિંદેએ તેમની પાર્ટીના મંત્રીઓને પોતાના ડિપાર્ટમેન્ટની ફાઇલો પહેલા તેમની પાસે મોકલવાનો આદેશ આપ્યો છે, જ્યારે ફડણવીસે શિંદેના શહેરી વિકાસ વિભાગને તેની ફાઇલો સીધી મુખ્યમંત્રી કાર્યાલયમાં મોકલવા જણાવ્યું છે. આ ફાઈલોની આપ-લેના કારણે મહારાષ્ટ્રની મહાયુતી સત્તા પક્ષમાં ખેચતાણીની ચર્ચાઓ વહેતી થઈ હતી.
શિવસેનાના નવ મંત્રીઓ અને બે રાજ્ય મંત્રીઓએ ગત બે અઠવાડિયાથી શિંદેના આદેશને અનુસરીને તેમના વિભાગોની ફાઇલો પહેલા શિંદેને મોકલવાનું શરૂ કર્યું છે. આમાં ઉદ્યોગ, આરોગ્ય, શિક્ષણ અને પરિવહન જેવા વિભાગોનો સમાવેશ થાય છે. પરિણામે, શિંદેના ડેસ્ક પર ફાઇલોનો ઢગલો થયો છે, અને ઘણા મહત્વના પ્રસ્તાવો અટવાઈ ગયા છે. અધિકારી સૂત્રો પ્રમાણે, આ ટકરાવને કારણે વહીવટી કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે.
શિંદેનો આદેશ પરંપરાગત વહીવટી પ્રક્રિયાની વિરુદ્ધ માનવામાં આવે છે. મહાયુતિ સરકારની રચના ડિસેમ્બરમાં થઈ ત્યારે સામાન્ય વહીવટ વિભાગે સ્પષ્ટ કર્યું હતું કે ફાઇલો પહેલા નાણામંત્રી અજિત પવાર પાસે, પછી શિંદે પાસે અને અંતે ફડણવીસ પાસે જવી જોઈએ. જોકે, શિંદેનો નિર્ણય તેમની પાર્ટીના વિભાગોને ફંડની અછતના મુદ્દે આવ્યો છે. શિવસેનાના એક નેતાનું કહેવું છે કે શિંદે ઇચ્છે છે કે તેમની પાર્ટીના મંત્રીઓને વધુ ફંડ મળે અને પ્રસ્તાવો શિવસેનાના લાભમાં તૈયાર થાય.
આપણ વાંચો: વર્સોવા-ભાયંદર લિંક રોડ પ્રોજેક્ટમાં સરકારી અને ખાનગી જમીનનું સંપાદન શરૂ
તાજેતરના વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન ભાજપના ધારાસભ્યોએ ફડણવીસને ફરિયાદ કરી હતી કે શિવસેનાના ધારાસભ્યોને યોજનાઓ માટે વિશેષ સહાય આપવામાં આવે છે, જ્યારે ભાજપના ધારાસભ્યોની અવગણના થાય છે. શહેરી વિકાસ વિભાગ, જે શિંદેના નિયંત્રણમાં છે, તેના ફંડનો ઉપયોગ શિવસેનાના ધારાસભ્યોના મતવિસ્તારોમાં વધુ થઈ રહ્યો હોવાનો આક્ષેપ લગાડવામાં આવ્યો છે. ફડણવીસે આ પક્ષપાતને દૂર કરવા માટે શહેરી વિકાસ વિભાગની ફાઇલો સીધી તેમની પાસે મોકલવાનો આદેશ આપ્યો.
ઉદ્યોગ મંત્રી ઉદય સમંતે આ ‘ફાઇલ યુદ્ધ’ અંગે દાવો કર્યો કે ત્રણેય પક્ષો (ભાજપ, શિવસેના, એનસીપી) વચ્ચે સારું સંકલન છે અને કોઈ ઝઘડો નથી. જોકે, આ ઘટના મહાયુતિ સરકારની આંતરિક ખેંચતાણ અને આગામી નગરપાલિકા ચૂંટણીઓ પહેલા ફંડની ફાળવણીને લઈને રાજકીય રમતોનો સંકેત આપે છે.