સમાધાન માટે આવેલા બે જૂથના લોકો વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ મારામારી...
આમચી મુંબઈ

સમાધાન માટે આવેલા બે જૂથના લોકો વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ મારામારી…

મુંબઈ: વિવાદનું સમાધાન લાવવા આવેલા બે જૂથના લોકો વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ ગાળાગાળી અને મારામારી શરૂ થઈ ગઈ હતી. મારપીટમાં મહિલાઓ પણ સામેલ થઈ હતી અને અધિકારીઓની મધ્યસ્થીથી મામલો શાંત પડ્યો હતો. આ ઘટનાનો વીડિયો બાદમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારે નાલાસોપારાના તુલિંજ પોલીસ સ્ટેશનમાં બની હતી. રહેવાસીઓનાં બે જૂથ વચ્ચે વિવાદ થયો હતો, જેને પગલે બન્ને જૂથના લોકો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને આવ્યા હતા. પોલીસ અધિકારી બન્ને જૂથના લોકો સાથે ઔપચારિક ચર્ચા કરે તે પહેલાં જ તેમની વચ્ચે ઉગ્ર દલીલો થવા માંડી હતી.

જોતજોતાંમાં બન્ને પક્ષના લોકો ગાળાગાળી કરવા માંડ્યા હતા અને પછી વાત મારામારી સુધી પહોંચી હતી. પુરુષો પંચ અને લાત એકબીજાને મારી રહ્યા હતા તો મહિલાઓ પણ મારપીટમાં ઊતરી હતી. પોલીસ સ્ટેશનમાં હાજર લોકોમાંથી એકે આ ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. બાદમાં એ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.

પોલીસ સ્ટેશનમાં દંગલ મચાવનારાઓને છૂટા પાડી તેમને સમજાવવાનો પ્રયાસ અધિકારીઓ કરી રહ્યા છે, પરંતુ પોલીસની સમજાવટ છતાં મોટે મોટેથી ગાળાગાળી કરવામાં આવતી હોવાનું વીડિયોમાં નજરે પડે છે. આ પ્રકરણે પોલીસે આપસમાં મારામારી કરનારાઓ વિરુદ્ધ તાત્કાલિક કોઈ ગુનો નોંધ્યો નહોતો. તેમની વચ્ચે કયો વિવાદ હતો તેની પોલીસ તપાસ કરી રહી છે. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button