નાગપુરમાં ગનપાવડરની ફેક્ટરીમાં વિસ્ફોટ પછી ભીષણ આગઃ પાંચના મોત

નાગપુરઃ શહેર નજીકની એક ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ લાગવાના બનાવમાં મોટી જાનહાનિના સમાચાર મળ્યા છે. ફેક્ટરીમાં વિસ્ફોટ અને આગ લાગવાના સમાચાર મળ્યા બાદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી અનુસાર નાગપુરમાં આજે બપોરે એક વિસ્ફોટક પદાર્થ બનાવવાની ફેક્ટરીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ વખતે ફેક્ટરીમાં ઘણા કામદારો કામ કરી રહ્યા હતા. નાગપુરના ધમાના વિસ્તારથી દૂર 25 કિલોમીટર અંતરેની હિંગના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. ચામુંડી ગનપાઉડર ફેક્ટરીમાં આજે બપોરે 1.30 વાગ્યે આ બ્લાસ્ટ થયો હતો. સ્થાનિક લોકોએ વિસ્ફોટ અંગે ફાયર બ્રિગેડને જાણ કરી હતી, ત્યાર બાદ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ અત્યાર સુધીમાં કેટલાક દાઝી ગયેલા કામદારોને બચાવી લીધા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Kuwaitમાં લાગેલી આગમાં 40 જેટલા ભારતીયોના મોતનો અહેવાલ; હજુ 30 જેટલા લોકો ઘાયલ
લગભગ 2 કલાક બાદ પણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. ફાયર એન્જિન હજુ પણ ઘટનાસ્થળે છે અને આગને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલુ છે, જ્યારે ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો ત્યારે અંદર મહિલાઓ સહિત ઘણા કામદારો હાજર હતા. આ દુર્ઘટનામાં પાંચના મોત થયા છે, જ્યારે મૃતકમાં ચાર મહિલાનો સમાવેશ થાય છે, જ્યારે ત્રણની હાલત ગંભીર છે, એમ નાગપુર પોલીસ કમિશનરે જણાવ્યું છે.
આ અંગે એનસીપી (શરદચંદ્ર પવાર)ના નેતા અનિલ દેશમુખે કહ્યું કે ધામના ગામ નજીકની ફેક્ટરીમાં વિસ્ફોટમાં થયો છે. ફેક્ટરીના મેનેજર અને માલિક ફરાર છે, જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત, એક્સપ્લોસિવ ડિપાર્ટમેન્ટની એક ટીમ દ્વારા તપાસ હાથ ધરી છે. સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે કે એક્સપ્લોસિવ ફેક્ટરી હોવા છતાં તેમની પાસે એમ્બ્યુલન્સ પણ નથી.
જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આમ છતાં કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. અહીં એ જણાવવાનું કે બુધવારે મહારાષ્ટ્રમાં ડોંબિવલી એમઆઈડીસીમાં પણ ભયંકર આગ લાગી હતી. આગ બાદ સ્કૂલ પ્રશાસન દ્વારા રજા જાહેર કરીને વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા હોવાને કારણે જાનહાનિ ટળી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.