આમચી મુંબઈ

અતિક્રમણ વિરોધી ઝુંબેશ વખતે…

પાલિકાની મહિલા અધિકારીનાં આંગળાં કાપી નાખનારા ફેરિયાને સાત વર્ષની કેદ

થાણે: થાણેમાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન ધારદાર છરાથી પાલિકાની મહિલા આસિસ્ટન્ટ કમિશનરનાં આંગળાં કાપી નાખવાની 2021માં બનેલી કમકમાટીભરી ઘટનામાં સેશન્સ કોર્ટે ફેરિયાને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી.
એડિશનલ સેશન્સ જજ એ. એસ. ભાગવતે આદેશમાં જણાવ્યું હતું કે તપાસકર્તા પક્ષ કસૂરવાર અમરજિત સિંહ શિવશંકર યાદવ ઉર્ફે અમરજિત યાદવ વિરુદ્ધ લગાવાયેલા હત્યાના પ્રયાસ સહિતના દરેક આરોપો પુરવાર કરવામાં સફળ રહ્યો છે.

ખટલા દરમિયાન વિશેષ સરકારી વકીલ શિશિર હિરેએ કોર્ટમાં જણાવ્યું હતું કે થાણે મહાનગરપાલિકાનાં આસિસ્ટન્ટ કમિશનર કલ્પિતા પિંપળેની આગેવાની હેઠળ અતિક્રમણ વિરોધી ઝુંબેશ ચાલી રહી હતી. 30 ઑગસ્ટ, 2021ના રોજ થાણેમાં અતિક્રમણો હટાવવાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે યાદવે હુમલો કર્યો હતો. પાલિકાની કાર્યવાહી દરમિયાન યાદવે ઉશ્કેરાયો હતો. તેણે પોતાની પાસેના ધારદાર છરાથી પિંપળે પર હુમલો કર્યો હતો. પોતાના બચાવમાં પિંપળેએ હાથ આડો કર્યો હતો, જેને પગલે છરો તેમનાં આંગળાં પર ફરી વળ્યો હતો. આ ઘટનામાં પિંપળેનાં ત્રણ આંગળાં કપાયાં હતાં.

સરકારી વકીલ હિરેએ જણાવ્યું હતું કે પિંપળેએ સ્વબચાવમાં હાથ આડો ન ધર્યો હોત તો તેમનો જીવ ગયો હોત. પિંપળેને બચાવવા તેમનો સિક્યોરિટી ગાર્ડ સોમનાથ પાલવે આગળ આવ્યો હતો. યાદવે પાલવે પર પણ છરાથી હુમલો કર્યો હતો, જેમાં તે ઘવાયો હતો. યાદવે પાલિકાની ટીમને ધમકાવી તેમની સાથે પણ ઉદ્ધત વર્તન કર્યું હતું. આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં હાથ ધરાઈ હતી. ખટલા દરમિયાન કોર્ટે 21 સાક્ષી તપાસ્યા હતા.

આરોપીને લાંબી સજા માટે અપીલ કરવાની વાત હિરેએ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પૂરો ચુકાદો વાંચ્યા પછી આગામી પગલાં વિશે નિર્ણય લેવામાં આવશે. જોકે પ્રથમદર્શી આવા ગુના માટે સાત વર્ષની સજા અપૂરતી હોવાનું તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button