બાળકોના અપહરણ માટે ફરતી શંકાસ્પદ કારથી વાલીઓમાં દહેશત…
પાલઘર પોલીસ બ્લૅક સ્કોર્પિયોની શોધમાં લાગી: બાળકોને શાળામાં એકલા આવ-જા ન કરવાની પોલીસની સૂચના

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાલઘર જિલ્લાના દહાણુ નજીક શાળામાંથી છૂટેલા બાળકોનું બ્લૅક સ્કોર્પિયોમાં અપહરણનો પ્રયાસ કરાયાની માહિતીને પોલીસે ગંભીરતાથી લઈ દરેક પોલીસ સ્ટેશનનોને અલર્ટ કરી દીધાં છે. અપહરણના પ્રયાસનો મેસેજ સોશ્યલ મીડિયા પર ઝડપભેર ફેલાઈ રહ્યો હોવાથી વાલીઓમાં ડરનો માહોલ ઊભો થયો છે. દહાણુ સહિત અન્ય વિસ્તારોમાંથી પણ આ પ્રકારની માહિતી મળી રહી હોવાથી પોલીસ શંકાસ્પદ કારની શોધમાં લાગી છે અને બાળકોને શાળામાં એકલા આવ-જા ન કરવાની સૂચના આપવામાં આવી છે.
પાલઘર જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ યતીશ દેશમુખે વૉટ્સઍપ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં નાગરિકોને સતર્ક રહેવાની વિનંતી કરાઈ છે. શંકાસ્પદ બ્લૅક સ્કોર્પિયો કે શંકાસ્પદ વ્યક્તિ નજરે પડે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા 112 નંબર પર પોલીસ કન્ટ્રોલ રૂમનો સંપર્ક સાધવાનું દેશમુખે વીડિયોમાં જણાવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ સોશ્યલ મીડિયા પર મેસેજ વાયરલ થઈ રહ્યા છે, જેમાં દહાણુના કાસા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચારોટી નાકા પાસેથી બાળકોના અપહરણનો પ્રયાસ કરાયાનો દાવો કરવામાં આવ્યો છે. સોમવારની સાંજે છ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. કાસા, રાનશેત ખાતેની શાળામાંથી છૂટ્યા પછી બાળકો ચાલતા ઘરે જઈ રહ્યા હતા. બાળકો સારણી કરબટ પાડા સ્થિત પુલ નજીક પહોંચ્યા ત્યારે બ્લૅક કલરની સ્કોર્પિયો તેમની પાસે આવીને ઊભી રહી હતી.
કારમાંથી ઊતરેલા બેથી ત્રણ જણે મોઢા પર રૂમાલ બાંધી રાખ્યો હતો. શંકાસ્પદ વ્યક્તિઓ હિન્દીમાં બોલી રહ્યા હતા. ‘ચાલો, હું તમારા ઘરે છોડી દઉં છું… મને ઓળખતા નથી? બેટા, ક્રીમ બિસ્કિટ ખાઈ લો,’ એમ કહીને બાળકોને કારમાં બેસાડવાનો પ્રયાસ કરાયો હતો. જોકે ડરી ગયેલા બાળકો ત્યાંથી નાસી ગયા હતા. આ સંદર્ભેની માહિતી સોશ્યલ મીડિયા પર ફરવા લાગી હતી.
બાળકોના અપહરણ માટે શંકાસ્પદ કાર કાસા સહિત સારણી, નિકાવલી, આંબિવલી, મ્હસાડ, ઉર્સે પરિસરમાં પણ ફરતી હોવાની માહિતી પોલીસને મળી હતી, જેની પોલીસે ગંભીર નોંધ લીધી હતી.
પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ દેશમુખે જણાવ્યું હતું કે કાસા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દરેક પરિસરમાં પેટ્રોલિંગ કરી રહી છે અને શંકાસ્પદ કારની શોધ ચલાવી રહી છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા બાળકોના અપહરણના પ્રયાસના મેસેજની પણ ખાતરી કરવામાં આવી રહી છે. જોકે નાગરિકોએ સતર્ક રહી શંકાસ્પદ કાર કે વ્યક્તિ નજરે પડે તો તાત્કાલિક પોલીસને જાણ કરવાનું તેમણે જણાવ્યું હતું.
દેશમુખે અપીલ કરી હતી કે નાગરિકોએ કોઈ પણ પ્રકારની અફવા પર વિશ્ર્વાસ ન રાખી પોલીસને તપાસમાં સહકાર આપવો. કોઈએ પણ કાયદો હાથમાં લેવો નહીં. વાલીઓએ સંતાનોને આ બાબતે ખાસ સમજાવવાં અને શાળાએ એકલા આવ-જા કરવાનું ટાળવું. બની શકે તો વિદ્યાર્થીઓએ ટોળામાં જ શાળાએ આવ-જા કરવી.