ગુજરાત જતી ટ્રકે રિક્ષા અને બાઈકને ટક્કર મારતાં પિતા-પુત્રનાં મોત

થાણેમાં ક્ધટેઈનર ડિવાઈડર સાથે ભટકાતાં વાહનવ્યવહારને અસર
પાલઘર: નાલાસોપારામાં પૂરપાટ વેગે ગુજરાત જતી ટ્રકે રિક્ષા અને પછી બાઈકને ટક્કર મારતાં પિતા-પુત્રનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માતની બીજી ઘટનામાં થાણેમાં ક્ધટેઈનર ડિવાઈડર સાથે ભટકાતાં મુંબઈથી નાશિક તરફના વાહનવ્યવહારને બે કલાક સુધી અસર થઈ હતી.
પેલ્હાર પોલીસના જણાવ્યા મુજબ મુંબઈથી ગુજરાત તરફ પૂરપાટ વેગે જતી ટ્રકના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. નાલાસોપારા પૂર્વના પેલ્હાર પરિસરમાં રિક્ષાને ટક્કર માર્યા પછી ટ્રકે બાઈકને અડફેટે લીધી હતી.
રવિવારની સવારે બનેલી આ ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી. ટ્રક એટલી જોરથી ભટકાઈ હતી કે રિક્ષાનો ખુરદો બોલાઈ ગયો હતો, જેને પગલે રિક્ષામાં હાજર પિતા-પુત્ર ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. બન્નેની ઓળખ સજાદ ઉસ્માની અને તેના પુત્ર અતીફ ઉસ્માની તરીકે થઈ હતી. પોસ્ટમોર્ટમ માટે બન્નેના મૃતદેહ સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈકસવારને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે અકસ્માતને કારણે થોડા સમય માટે ટ્રાફિક જૅમની સ્થિતિ સર્જાઈ હતી.
દરમિયાન કળંબોલીથી નાશિક જતું ક્ધટેઈનર રવિવારની સવારે સાત વાગ્યાની આસપાસ થાણેના કૅડબરી બ્રિજ પાસે ડિવાઈડર સાથે ભટકાયું હતું. કહેવાય છે કે ડ્રાઈવર કામતા પાલે (50) સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ અકસ્માત થયો હતો.
ઘટનામાં પાલને માથામાં ગંભીર ઇજા થઈ હતી. સારવાર માટે તેને પાલિકા સંચાલિત હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. અકસ્માતને કારણે મુંબઈથી નાશિક તરફના વાહનવ્યવહારને અસર થઈ હતી. લગભગ બે કલાક સુધી ટ્રાફિક જૅમ રહ્યો હતો. હાઈડ્રા મશીન અને ફાયર બ્રિગેડના વાહનની મદદથી ક્ધટેઈનરને રસ્તાને કિનારે ખસેડવામાં આવ્યા પછી વાહનવ્યવહાર પૂર્વવત્ કરાયો હતો.
(પીટીઆઈ)
આ પણ વાંચો…દારૂડિયા ટેમ્પોચાલકની પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુક્કી: ચેકપોસ્ટમાં કરી તોડફોડ



