આમચી મુંબઈમહારાષ્ટ્ર

જીવલેણ ગોવા: માટુંગાનું સિનિયર સિટિઝન કપલ ડૂબ્યું

સાથે ફરવા ગયેલા સાત પરિવારમાંનાં માટુંગાના દોશી પરિવારને આઘાત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈના દાદર અને માટુંગા વિસ્તારમાં રહેતાં અને માટુંગાની અમૂલખ અમીચંદ સ્કૂલમાં ભણી ચૂકેલા સાત ગુજરાતી કપલ માટે ગોવાની ટ્રિપ આઘાતરૂપ પુરવાર થઇ હતી. ગુરુવારે જ ગોવાની ટ્રિપ માટે ગયેલાં આ સાત દંપતીમાંથી માટુંગામાં રહેતાં એક દંપતીનું ગોવાના બીચમાં તણાઈ જવાને કારણે કમનસીબે મોત થયું હતું.

જોકે અન્ય એક દંપતી પોતાને બચાવવામાં સફળ રહ્યું હતું. ઘાટકોપરમાં રહેતાં કલ્પનાબહેનને પણ માર વાગ્યો હતો. જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જોકે મોડી સાંજે તેમને રજા આપવામાં આવી હતી.

ગુરુવારે જ ગોવાની પિકનિક માટે ગયેલાં અને નાહવા માટે બીચમાં ઊતરેલાં આ સાત દંપતીમાંથી માટુંગાના સાધુ વાસવાની રોડ પર આવેલા નારાયણ નિવાસના બીજે માળે રહેતા અને એસ્ટેટ એજન્ટનું કામ કરતા પંકજ દોશી (૭૩) અને હર્ષિતા દોશી (૬૯)ના દરિયામાં તણાઈ જવાને કારણે મોત નીપજ્યાં હતાં, જ્યારે એમના જ ગ્રુપના અન્ય એક કલ્પના સતીશ પારેખ (૬૮) પણ તણાયાં હતાં, પણ તેમને બચાવવામાં તેમના પતિ સફળ થયા હતા.

શુક્રવારે સવારે તણાઈ ગયેલાં આ દંપતીને સ્થાનિક રહેવાસીની મદદથી પોલીસે મૃત અવસ્થામાં બહાર કાઢ્યાં હતાં. ઘટનાની જાણ થતાં જ દોશી દંપતીના માટુંગામાં રહેતા બંને દીકરાઓ વ્યોમ અને સાગર તાત્કાલિક ગોવા પહોંચી ગયા હતા. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: કેન્યા ડૂબ્યુંઃ મૃત્યુઆંક ૧૦૦ની નજીક, ફરી શાળાઓ ખોલવાનું મોકૂફ

ગોવામાં બનેલી ઘટના અંગે માહિતી આપતાં આ જ સ્કૂલમાં ભણતા અને આ ગ્રુપના અન્ય એક સભ્ય જે કોઇ અંગત કારણસર ગોવા જઇ નહોતા શક્યા એ અનિલ શાહે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે ‘એક જ સ્કૂલમાં ભણ્યાં અને વર્ષોથી સંપર્કમાં રહ્યાં અને દર વર્ષે બે કે ત્રણ વાર ફરવા જવાનું અમારું નક્કી જ રહેતું. આ વખતે અમે ગોવા જવાનું નક્કી કર્યું. ગુરુવારે તો બધા પિકનિક મનાવવા માટે નીકળ્યા હતા. હજી એક દિવસ જ માંડ વીત્યો હતો ત્યાં અમને આવા સમાચાર મળ્યા એટલે જબરદસ્ત આઘાત લાગ્યો.’

‘અમે ૧૯૭૧ના વર્ષમાં બધાએ એસએસસી પાસ કર્યું. અમારું ગ્રુપ ઘણું મોટું છે. આમાંનાં દરેક કપલમાંનો એક સભ્ય સાથે અમૂલખ અમીચંદ સ્કૂલમાં સાથે હતાં. મારું પણ આ ગ્રુપમાં જવાનું લગભગ નક્કી જ હતું, પણ છેલ્લી ઘડીએ કોઇ અંગત કારણસર મારે જવાનું કેન્સલ કરવું પડ્યું હતું. આજે (શુક્રવારે) સવારે જ્યારે આ બનાવ બન્યો ત્યારે પહેલાં તો માનવામાં ન આવ્યું, પણ અમારા ગ્રુપનાં જ એક અમારાં મિત્ર રેખાબહેને જ્યારે આવું ખરેખર બન્યું એવી જાણ કરી ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઇ.’

માતા-પિતા કાળનો કોળિયો બની ગયા હોવાનું સાંભળીને તેમના બંને દીકરા વ્યોમ અને સાગર પર દુ:ખનો ડુંગર તૂટી પડી ગયો હતો. શુક્રવારે ઘટનાની જાણ થતાં જ બંને દીકરા માતા-પિતાની ડેડબોડી લેવા માટે ગોવા દોડી ગયા હતા. પોસ્ટમોર્ટમ કરાયા બાદ બંનેની ડેડબોડી શનિવારે મુંબઈ લાવવામાં આવશે, એવી માહિતી અનિલભાઈએ આપી હતી.

ધસમસતું મોજું ખેંચી ગયું
ગુરુવારે ગોવાની પિકનિક માટે ગયેલાં આ સાત કપલમાંથી સવારે ૧૧ વાગ્યે ચા-નાસ્તો કર્યા બાદ ચાર જણ હર્ષિદાબહેન, તેમના પતિ પંકજ, કલ્પનાબહેન અને તેમના પતિ બીચમાં નાહવા માટે ગયાં હતાં. ગોવાના બીચ પર મોજમજા કરવા માટે ઊતરેલાં આ બંને દંપતીને એ ખયાલ નહોતો કે અચાનક એક મોટું ધસમસતું મોજું તેની તરફ આવી રહ્યું છે. કિનારા નજીક મસ્તી કરતાં આ દંપતી મોજામાં ફસાયું અને હર્ષિદાબહેનને પગ નીચેથી જાણે રેતી સરકી રહી હોવાનો અહેસાસ થયો હતો અને જોતજોતામાં તો તેઓ તણાઈ ગયાં હતાં. જોકે તેમને બચાવવા માટે ગયેલા તેમના પતિ પંકજભાઈ પણ આ મોજામાં લપેટાઈ ગયા હતા અને તેમની સાથે તણાઇ ગયા હતા. કલ્પનાબહેનને પણ મોજાએ ખેંચીમાં લીધાં હતાં, પણ તેમના પતિ તેમને બચાવવામાં સફળ રહ્યા હતા.

આ અંગે વધુ માહિતી આપતાં અનિલભાઈએ જણાવ્યું હતું કે હર્ષિદાબહેને બીચ પર નાહવાની મજા માણવા માટે તેમના પતિને પણ બોલાવ્યા હતા. જોકે એ જ સમયે ધસમસતું મોજું આવ્યું હતું અને તેનો માર તેઓ સહન કરી ન શક્યાં. પંકજભાઈએ હર્ષિદાબહેનને બચાવવાની કોશિશ કરી હતી, પણ તેઓ પણ એમાં ખેંચાઈ ગયા હતા. જોકે કલ્નપાબહેન પણ મોજાના વહેણમાં વહી ગયાં હતાં, પણ તેમના પતિને તેમનો હાથ ઝાલવામાં અને બચાવવામાં સફ્ળતા મળી હતી.

આ પણ વાંચો: લિબિયામાં વિસ્થાપિતોથી ભરેલું જહાજ ડૂબ્યું, 6૦થી વધુના મોત

આજે ડેડબોડીને મુંબઈ લાવવામાં આવશે

માટુંગામાં રહેતાં પંકજ અને હર્ષિતા દોશીની શોધખોળમાં ઘણો સમય નીકળી ગયો હતો. શનિવારે બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયા બાદ તેમના દીકરાઓને ડેડબોડી સોંપવામાં આવશે અને ત્યાર બાદ તેમને ફ્લાઈટમાં મુંબઈ લાવવામાં આવશે, એવી માહિતી તેમના મિત્ર વર્તુળમાંથી અનિલભાઈ આપી હતી.

દર વર્ષે બે વાર પિકનિક મનાવવાનું ફિક્સ હતું

માટુંગાની અમૂલખ અમીચંદ સ્કૂલમાં દસમા ધોરણમાં પરીક્ષા આપ્યા પછી પારિવારિક સંબંધ રાખવાની અને દર વર્ષે કોઇ ને કોઇ બહાને મળતા રહેવું એવો આશય ધરાવતાં ૧૯૭૧માં છૂટાં પડેલાં આ ગ્રુપ દર વર્ષે બેથી ત્રણ વાર પિકનિકનો કાર્યક્રમ કરતું રહેતું હતું. આવા જ એક કાર્યક્રમના ભાગરૂપે ગોવાની પિકનિકની ગોઠવણ થઇ હતી, જેમાં સાયન, માટુંગા, દાદર અને ઘાટકોપર, બ્રીચકેન્ડી અને પુણેમાં રહેતાં સાત કપલ જોડાયાં હતાં.

પોલીસનું શું કહેવું છે

મુંબઈથી એક ગ્રુપ ગોવા પિકનિક માટે ગુરુવારે આવ્યું હતું. ગ્રુપમાંના ચાર જણ નોર્થ ગોવાના કેન્ડોલિમ બીચમાં નાહવા માટે ઊતર્યા હતા. દરિયામાં અચાનક જ આવેલા મોજાને કારણે પંકજ દોશી અને હર્ષિતા દોશી તણાઈ ગયાં હતાં, જ્યારે કલ્પના પારેખને મોજાની થપાટ વાગવાને કારણે ઈજા થઇ હતી. જોકે કલ્પનાબહેનને તેમના પતિ સતીશભાઈ બચાવવામાં સફળ થયા હતા, જ્યારે તણાઈ ગયેલાં પંકજ અને હર્ષિતા દોશીની શોધ ચલાવવામાં આવી હતી. અંદાજે ત્રણેક કલાક બાદ બંનેના મૃતદેહ સાંપડ્યા હતા. બંનેની ડેડબોડીને શનિવારે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ તેમના પરિવારજનને મૃતદેહ સોંપવામાં આવશે, એવું ગોવા પોલીસે જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…