કોલ્હાપુરમાં ‘આ’ કારણસર ખેડૂતોએ કર્યું આંદોલન, વિરોધ પક્ષ પણ આક્રમક
કોલ્હાપુર: મહારાષ્ટ્રના સૌથી મોટા શક્તિપીઠ હાઇ-વે વિરુદ્ધ ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે. ખેડૂતોના આ આંદોલનમાં રાજ્યકીય પક્ષના નેતાઓ પણ સામેલ થયા છે. સરકારના આ પ્રોજેકટ માટે ખેડૂતોની જમીન તેમની પાસેથી લેવામાં આવતા ખેડૂતોને નુકસાન થશે એ બાબતને લઈને વિરોધી પક્ષ આક્રમક થતાં રાજ્યમાં રાજકારણ ગરમાયું છે અને આ મુદ્દો લોકસભા ચૂંટણીનો મુદ્દો બની રહ્યો છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા શક્તિપીઠ હાઇ-વે નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ 805 કિલોમીટર લાંબા હાઇ-વેથી નાગપુર-ગોવાનો પ્રવાસ માત્ર 10 કલાકમાં પૂર્ણ થશે અને હાઇ-વેના વિસ્તારમાં પર્યટન, ઔદ્યોગિક, ખેતીવાડી અને બાંધકામ ક્ષેત્રનો વિકાસ થવાની સાથે રોજગારીમાં પણ વધારો થશે એવો દાવો સરકારે કર્યો છે.
આ હાઇ-વેના બાંધકામ માટે સરકાર દ્વારા 11 હેક્ટર જમીન સંપાદન કરવાનું છે, પણ આ પ્રોજેકટના માર્ગની આસપાસની જમીનના ભાગમાં બીજા પ્રોજેકટગ્રસ્ત લોકોનું પુનઃવસન કરવામાં આવ્યું છે જેથી આ લોકોને શક્તિપીઠ હાઇ-વેથી ફરી પુનઃવસન કરવામાં આવશે એટલે પ્રોજેકટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
રૂ. 3,200 કરોડના ખર્ચે કોલ્હાપુર સાંગલીના કૃષ્ણા ખૌરે ભાગમાં પૂરની સમસ્યાનું નિવારણ લાવવા માટે પૂર રાહત પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવશે એવી જાહેરાત મુખ્ય પ્રધાન શિંદેએ આપી હતી.
જોકે આ હાઇ-વેના બાંધકામને લીધે વિસ્તારમાં મોટી દીવાલોનું બાંધકામ થતાં પૂર રાહત પ્રોજેક્ટ માત્ર કાગળ પર રહી જશે એવો ભય નાગરિકોને છે. આ દરેક બાબતને લઈને ખેડૂત સંગઠન દ્વારા શક્તિપીઠ હાઇ-વેનો વિરોધ કરી હાઇ-વેને વૈકલ્પિક માર્ગથી લઈ જવામાં આવે એવી માગણી કરવામાં આવી રહી છે.