આમચી મુંબઈ

BMC ચૂંટણી પહેલા મુંબઈ પોલીસનો સપાટો: બાંગ્લાદેશી સરહદથી ચાલતા નકલી નોટના મોટા રેકેટનો પર્દાફાશ, મહિલા સપ્લાયર ઝડપાઈ

મુંબઈ: ચૂંટણી પહેલા દારુ, રૂપિયા વગેરે જેવી વસ્તુઓની હેરાફેરી વધી જતી હોય છે. તેથી આવા સંજોગોમાં પોલીસ એલર્ટ મોડમાં રહે છે. મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મુંબઈ પોલીસ ચૂંટણી પહેલા જ નકલી નોટોનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જેમાં 72 હજાર રૂપિયાની નકલી નોટો ઝડપાઈ છે.

બાંગ્લાદેશથી નકલી નોટ આવ્યાની આશંકા

ગત અઠવાડિયે શિવાજી પાર્ક પોલીસે દાદર રેલવે સ્ટેશન પાસેથી અમરૂદ્દીન શેખ(ઉ.61) નામના શખ્સની ધરપકડ કરી હતી. તેની પાસેથી 500-500 રૂપિયાની નકલી નોટો મળી આવી હતી. જેની કુલ કિંમત 72,000 રૂપિયા હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, નકલી નોટની ગુણવત્તા ઘણી સારી હતી. આ નકલી નોટ બાંગ્લાદેશથી લાવવામાં આવી હશે, એવી પોલીસે આશંકા વ્યક્ત કરી હતી. આ નકલી નોટની જપ્તીને લઈને હવે વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

નકલી નોટ બાંગ્લાદેશથી આવી હશે, એ આશંકાના આધારે મુંબઈ પોલીસે ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં બાંગ્લાદેશની સરહદ પાસે એક સીક્રેટ ઓપરેશન ચલાવ્યું હતું. આ ઓપરેશનના પરિણામે તાજેતરમાં એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. જેનું નામ જોસના બીબી ઉર્ફ સેરાજુલ શેખ(ઉ.49) છે.

60 હજારના બદલામાં 1 લાખની નકલી નોટ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ મહિલા નકલી નોટોની સપ્લાયર હતી. તે 60 હજાર રૂપિયાની અસલી નોટના બદલામાં 1 લાખ રૂપિયાની નકલી નોટ આપતી હતી. તે છેલ્લા બે વર્ષથી આ ગેરકાયદે નેટવર્કમાં સક્રિય છે. તેણે અત્યારસુધીમાં 12થી 14 લાખ રૂપિયાની નકલી નોટ સપ્લાય કર્યાનો પોલીસ અંદાજ લગાવી રહી છે. અમરૂદ્દીન શેખ અને સેરાજુલ શેખે નકલી નોટનો ઉપયોગ કયા વિસ્તારમાં અને કયા માધ્યમોથી કર્યો છે? એ દિશામાં મંબઈ પોલીસે તપાસ હાથ ધરી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button