
યુએપીએની જોગવાઇઓ અને તપાસને પડકારતી વાઝેની અરજી પર હાઇ કોર્ટનો સવાલ:
એનઆઇએ પાસે પણ જવાબ માગ્યો
મુંબઇ: બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેએ તેની વિરુદ્ધ લાગુ કરવામાં આવેલી અનલોફૂલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ (યુએપીએ)ની જોગવાઇઓ અને એન્ટિલિયા નજીક વિસ્ફોટકો તથા થાણેના વેપારી મનસુખ હિરનના મોતના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)ની તપાસ સામે પડકાર ફેંકતી અરજી મુંબઈ હાઇ કોર્ટમાં કરી છે.
જસ્ટિસ ભારતી ડાંગરે અને મંજૂષા દેશપાંડેની ખંડપીઠે બે કેસમાં હાલમાં જેલવાસ ભોગવી રહેલા વાઝે દ્વારા દાખલ અરજીના પ્રતિસાદમાં જવાબ નોંધાવવા એનઆઇએને નિર્દેશ આપ્યા હતા. ખાસ કરીને વાઝેએ જેલમાંથી 185 પાનાંની અરજી કરી હતી, જે અરજી કરતાં થિસિસ વધારે લાગે છે, એવી નોંધ ખંડપીઠે કરી હતી. ખંડપીઠે પૂછ્યું હતું કે આ અરજી છે કે પછી થિસિસ? તેમાં ઓસ્કર વાઇલ્ડ અને અન્યોના ક્વોટ છે. આ પીએચડી માટે થિસિસ હોય તેવું લાગે છે.
આ પણ વાંચો: દેશમુખ દ્વારા ગેરકાયદે કામ કરવાનું દબાણ હતું: ફડણવીસને લખેલો પત્ર સચિન વાઝેએ વિશેષ અદાલતમાં રજૂ કર્યો
વાઝે માટે હાજર રહેલા વરિષ્ઠ ધારાશાસ્ત્રી આબાદ પૌંડાએ જણાવ્યું હતું કે આરોપી જેલમાં છે. તેની પાસે હાલમાં એ સિવાય કરવા જેવું બીજું કશું જ નથી. વાઝેએ તેની સામે અરજીની સુનાવણી બાકી હોવાથી તુરંત છુટકારો કરવા વિનંતી કરી છે. પોંડાએ એવી દલીલ કરી હતી કે મારા અસીલ સામે આ કેસમાં યુએપીએની જોગવાઇઓ ખોટી રીતે લાગુ કરવામાં આવી છે અને એનઆઇએએ કેસમાં ધારા લાગુ કરવા પૂર્વે જ તપાસ શરૂ કરી દીધી છે.
યુએપીએ એક્ટની જોગવાઇઓ કાંઇ બધા જ કેસમાં લાગુ નહીં કરી શકાય. મુંબઈમાં કોઇકના ઘર બહારથી ફક્ત જિલેટિન મળી આવી તે આ કેસ છે. આમાં કોઇ આતંક ફેલાવવામાં આવ્યો નથી, એમ પોંડાએ દલીલ કરી હતી.
આમાં એનઆઇએની સક્ષમતા પણ પડકાર હેઠળ છે, કારણ કે એનઆઇએએ કેન્દ્ર દ્વારા આદેશ પસાર કરવા પૂર્વે જ તપાસ શરૂ કરી દીધી હતી, એમ પોંડાએ કહ્યું હતું. તેમની દલીલો સંક્ષિપ્તમાં સાંભળ્યા બાદ હાઇ કોર્ટે એનઆઇએ પાસેથી જવાબ માગ્યો હતો અને આ મામલાની સુનાવણી હવે હાઇ કોર્ટ 23 સપ્ટેમ્બરે કરશે. (પીટીઆઇ)