માનસિક સ્વાસ્થ્ય માટે ખતરો બનશે સોશિયલ મીડિયાનો અતિરેક, યુઝર્સે આટલું ધ્યાન રાખવું ખૂબ જરૂરી

Social Media and Mental Health: આજના સમયમાં તમાકુ, બીડી, સિગરેટ સિવાય એક નવું વ્યસન અસ્તિત્વમાં આવ્યું છે. આ વ્યસન સોશિયલ મીડિયાનું વ્યસન છે. લોકો સવારે ઉઠતાની સાથે જ પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયા ખોલીને બેસી જાય છે. દૂર રહેતા સગા-સંબંધીઓ તથા મિત્રોને સોશિયલ મીડિયા દ્વારા મળી શકાય છે. સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા કરતા અનેક કલાકો વિતી જાય છે. આમ, સોશિયલ મીડિયા સમયનો વ્યય તો કરાવે જ છે અને સાથોસાથ માનસિક સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે.
માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક સોશિયલ મીડિયા
સોશિયલ મીડિયાના વધારે ઉપયોગની સીધી અસર વ્યક્તિની ઉંઘ પર થાય છે. ઘણા લોકો મોડી રાત સુધી મોબાઈલની સ્ક્રીન સ્ક્રોલ કરે રાખે છે. જેથી ઉંઘ પૂરી થતી નથી. તેથી દીમાગ થાકી જાય છે. જેની અસર આગલા દિવસે જોવા મળે છે. બીજા દિવસે કામમાં મન ન લાગવું, ચિડચિયાપણું, માનસિક થાક જેવા લક્ષણો જોવા મળે છે. સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરનાર એકલતાનો શિકાર પણ બની જાય છે.
સોશિયલ મીડિયા ડોપામિન પર પણ અસર કરે છે. સોશિયલ મીડિયા પર આવતી લાઈક્સ અને કોમેન્ટથી દીમાગને ક્ષણભરનો આનંદ મળે છે. જેથી ડોપામિનમાં વૃદ્ધિ થાય છે. વ્યક્તિને ધીરે ધીરે વધારે લાઈક્સ મેળવવાની ટેવ પડી જાય છે. પરંતુ જ્યારે લાઈક્સ ઓછા થઈ જાય છે. ત્યારે વ્યક્તિનું મૂડ ખરાબ થઈ જાય છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર વ્યક્તિને જેટલા લોકો ફોલો કરે છે, તે વાસ્તવિક જીવનમાં એક આંકડો હોય છે. પરંતુ વ્યક્તિ સોશિયલ મીડિયા પરના લોકો સાથો જોડાયેલા રહેવામાં પોતાના વાસ્તિક સગા-સંબંધિઓને ભૂલી જાય છે.
સોશિયલ મીડિયા છોડી દેવાની જરૂર નથી
પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના એક અહેવાલમાં જણાવ્યાનુસાર, જે લોકો સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરે છે, તેઓમાં સોશિયલ મીડિયાના સહારે જીવન જીવતા લોકોની સરખામણીમાં તણાવ અને ડિપ્રેશનના લક્ષણો ઓછા જોવા મળે છે. જે લોકો પોતાના જીવનના સારા-નરસા તમામ પાસાઓને દુનિયાની સામે રાખીને જીવે છે, તેઓ વધારે ખુશ હોય છે. જ્યારે દર અઠવાડિયે નવા ફિલ્ટર સાથે પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું વિચારતા લોકો વધારે બેચેન રહે છે.
ઉલ્લેખનીય છે કે, આજના સમયમાં સોશિયલ મીડિયા ઘણી રીતે ઉપયોગી પણ બની રહ્યું છે. તેથી તેને સંપૂર્ણ રીતે છોડી દેવાની જરૂર નથી. તેના વપરાશમાં સંતુલન લાવવાની જરૂર છે. સોશિયલ મીડિયાના ઉપયોગ માટે એક નિશ્ચિત સમય નક્કી કરવાની જરૂર છે. કારણ વગર રીલ સ્ક્રોલ કરવાથી બચવું જોઈએ તથા ઉંઘતા પહેલા મોબાઈલનો ઉપયોગ કરવાની ટેવ છોડવી જોઈએ. જેનાથી તમારું તન અને મન સ્વસ્થ રહેશે.
આ પણ વાંચો…સવારની એ ભૂલ જે હાર્ટ માટે છે જોખમી! જાણો કયા સમયે આવે છે સૌથી વધુ Heart Attack?