ગોવંડીથી અપહૃત એસ્ટેટ એજન્ટનો નાલાસોપારાથી છુટકારો: પાંચ પકડાયા

મુંબઈ: ફ્લૅટ ખરીદવામાં મદદ કરવાને બહાને લીધેલાં નાણાં પાછાં ન આપનારા રિયલ એસ્ટેટ એજન્ટનું ગોવંડીથી કથિત અપહરણ કર્યા બાદ તેને નાલાસોપારામાં બંધક બનાવી રાખવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે એસ્ટેટ એજન્ટનો નાલાસોપારાથી છુટકારો કરી પાંચ આરોપીની ધરપકડ કરી હતી.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અબ્દુલ દરજી (42), રાજકુમાર યાદવ (30), મુજીબ શેખ (38), સાહિલ શેખ (49) અને લુકેશ રસ્તોગી (43) તરીકે થઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ પત્ની અને ચાર સંતાન સાથે નવી મુંબઈમાં રહેતો ફરિયાદી ઘાટકોપરમાં રહેતો હતો ત્યારે તેની ઓળખાણ આરોપી સાથે થઈ હતી. આરોપીને ફ્લૅટ ખરીદવામાં અને દસ્તાવેજો તૈયાર કરી આપવામાં મદદરૂપ થવાની ખાતરી આપી ફરિયાદીએ તેમની પાસેથી રૂપિયા લીધા હતા.
ફરિયાદીએ રિયલ એસ્ટેટ એવા આરોપી દરજી પાસેથી પણ નાણાં ઉછીના લીધાં હતાં. વારંવાર માગવા છતાં ફરિયાદી રૂપિયા પછા ન આપતો હોવાથી તેના અપહરણની યોજના બનાવવામાં આવી હતી.
એફઆઈઆર અનુસાર ઘટના 7 માર્ચે બની હતી. ફરિયાદી તેના સાસરે આવ્યો હતો ત્યારે વાહનમાં આવેલા આરોપી બળજબરીથી તેને વાહનમાં બેસાડી નાલાસોપારા લઈ ગયા હતા. ઘટનાસ્થળે હાજર ફરિયાદીના સગાએ આ અંગે ફરિયાદીની પત્નીને જાણ કરી હતી. પત્નીએ ગોવંડી પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ફરિયાદીનું જે કારમાં અપહરણ કરાયું હતું તેના પર ‘અલિઝા’ નામનું સ્ટિકર ચોંટાડેલું હતું. સ્ટિકરને આધારે પોલીસે સીસીટીવી કૅમેરા ફૂટેજમાં કારને ઓળખી કાઢી હતી. કાર નાલાસોપારામાં હોવાની માહિતી મળતાં પોલીસની ટીમે રવિવારે ચાર આરોપીને પકડી પાડી અપહૃતને છોડાવ્યો હતો. અપહરણમાં રસ્તોગી સંડોવણી સામે આવતાં સોમવારે તેની પણ જોગેશ્ર્વરીથી ધરપકડ કરાઈ હતી.