વયોવૃદ્ધ ડેવલપરે પુત્રી-જમાઈ અને બે દોહિત્ર વિરુદ્ધ 9 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી
થાણે: થાણેમાં રહેતા 90 વર્ષના ડેવલપરે પુત્રી-જમાઈ અને બે દોહિત્ર વિરુદ્ધ 9.37 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ ફરિયાદને આધારે ચાર જણ વિરુદ્ધ કાસારવડવલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ફરિયાદ અનુસાર આરોપીઓ ફરિયાદીને તેમની સાથે રહેવા માટે લઈ ગયા હતા. બાદમાં ફરિયાદી દ્વારા બાંધકામ કરાયેલા 13 ફ્લૅટ વેચવા અથવા તેમના નામે કરી આપવાની માગણી આરોપીએ કરી હતી અને 5.88 કરોડ રૂપિયા ફરિયાદી પાસેથી લીધા હતા.
આ પણ વાંચો: પોલીસના સ્વાંગમાં વેપારી સાથે છેતરપિંડી: આરોપી પકડાયો
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે આરોપીઓએ ફરિયાદીના બૅન્ક ખાતામાંથી ત્રણ કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી અને ફરિયાદીની પત્નીના 49 લાખ રૂપિયાના દાગીના હડપ કર્યા હતા. આ અંગે ફરિયાદી અને તેમની પત્નીએ પૂછપરછ કરતાં આરોપીઓએ ઉદ્ધત વર્તન કરી ધમકી આપી હતી. આરોપીઓએ મારી નાખવાની પણ ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
કાસારવડવલી પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 406, 420, 323, 504, 506 અને 34 હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો. (પીટીઆઈ)