ભાજપ-કૉંગ્રેસ ગઠબંધન અંગે એકનાથ શિંદેએ આપી પહેલી પ્રતિક્રિયા: “જે થઈ રહ્યું છે, તે વિચારધારાથી પરે છે.”

મુંબઈ: 20 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલી અંબરનાથ નગર પરિષદની સામાન્ય ચૂંટણીમાં શિવસેના (શિંદે જૂથ)ને 27 બેઠકો મળી હતી. એવા સંજોગોમાં વિધાનસભામાં ગઠબંધન ધરાવતી ભાજપાએ શિવસેના (શિંદે જૂથ) સાથે ગઠબંધન કરવાનું પસંદ કર્યું ન હતું. કૉંગ્રેસ અને NCP (અજિત પવાર જૂથ) સાથે ગઠબંધન કરીને અંબરનાથ નગર પરિષદમાં ભાજપા સત્તામાં આવી ગઈ છે. આ અંગે શિવસેના (શિંદે જૂથ)ના વડા એકનાથ શિંદેની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.
એકનાથ શિંદે ખુરશી માટે લડતો નથી
તાજેતરમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેમને અંબરનાથ નગર પરિષદમાં થયેલી રાજકીય હલચલ અને ભાજપ-કૉંગ્રેસના ગઠબંધન વિશે સવાલ પૂંછવામાં આવ્યો હતો. જેના જવાબમાં એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, “આ અંગે અમે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સાથે વાતચીત કરી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ વાત કરી હતી. અમે કહ્યું હતું કે, જુઓ ત્યાં શું થઈ રહ્યું છે. ત્યાં જે થઈ રહ્યું છે, તે વિચારધારાથી પરે છે. એકનાથ શિંદે ખુરશી માટે લડતો નથી. સત્તા મળે કે ના મળે, અમે બાળાસાહેબ ઠાકરેની વિચારધારા સાથે સમાધાન કરીશું નહીં.”
ઘણી જગ્યાએ અમારું ગઠબંધન થયું નથી
એકનાથ શિંદેએ આગળ જણાવ્યું કે, “શિવસેના બાળાસાહેબ ઠાકરેના વિચાર પર ચાલનારી પાર્ટી છે. અમે બાળાસાહેબ ઠાકરેના વિચાર પર ચાલી રહ્યા છીએ. ઘણી જગ્યા અમે ભાજપ સાથે લડી રહ્યા છીએ. ઘણી જગ્યાએ સ્થાનિક કક્ષાએ ગઠબંધન થયું નથી. જ્યાં અમે ફ્રેડલી ફાઈટ કરી રહ્યા છીએ, ત્યાં પણ અમે સ્થાનિક મુદ્દાઓ પર વાત કરીશું. હું એ જ કરી રહ્યો છું. ચૂંટણીમાં વિપક્ષ અંગે પણ કોઈ ટીકા-ટિપ્પણી કરતો નથી. આ મારી ટેવ નથી. વિપક્ષ પસે મુદ્દા નથી. તેથી તે ફક્ત આરોપ અને ટીકા-ટિપ્પણીની રાજનીતિ કરે છે.”
દેવેન્દ્ર ફડણવીસ સાથે ચાલી રહેલા કોલ્ડવોર અંગે સવાલ પૂંછાતા એકનાથ શિંદેએ જણાવ્યું કે, “અમે સારા મિત્રો છીએ. તેઓ જ્યારે ધારાસભ્ય હતા. ત્યારથી હું તેમને ઓળખું છું. હું તેમની સરકારમાં છું, તે મારી સરકારમાં પણ હતા.”
ભાજપે કૉંગ્રેસ, NCP સાથે કર્યું ગઠબંધન
ઉલ્લેખનીય છે કે, 20 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલી અંબરનાથ નગર પરિષદની સામાન્ય ચૂંટણીનું પરિણામ ચોંકાવનારું હતું. છેલ્લા 35 વર્ષથી અંબરનાથમાં શિવસેનાનું વર્ચસ્વ હતું. જેનો આ ચૂંટણીમાં અંત આવ્યો હતો. ચૂંટણીના પરિણામોમાં શિવસેના (શિંદે જૂથ)ને 27 બેઠકો મળી હતી. પરંતુ બહુમતી માટે તેને 4 બેઠકોની જરૂર હતી. જ્યારે ભાજપ પાસે 15 બેઠકો, કૉંગ્રેસ પાસે 12 બેઠકો અને NCP (અજિત પવાર જૂથ) પાસે 4 બેઠકો હતી. અહીં ભાજપે સત્તામાં આવવા માટે શિવસેના (શિંદે જૂથ) સાથે ગઠબંધન કરવાનું માંડીવાળીને કૉંગ્રેસ તથા NCP (અજિત પવાર જૂથ) સાથે ગઠબંધન કરીને ‘અંબરનાથ વિકાસ આઘાડી’ની રચના કરી હતી.



