દુષ્કાળગ્રસ્ત મરાઠવાડાને સુજલામ સુફલામ કરવા એકનાથ શિંદેનો મોટો નિર્ણય
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના દુકાળગ્રસ્ત ગણાતા મરાઠવાડા વિસ્તારને સુજલામ સુફલામ બનાવવા માટે મહારાષ્ટ્રની એકનાથ શિંદેએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા આ નિર્ણયને પગલે ખેડૂતોની આત્મહત્યા બંધ થઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, એમ મુખ્ય પ્રધાનની કચેરીમાંથી જાણવા મળ્યું હતું.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતામાં આજે રાજ્ય કેબિનેટની ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 13 મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે રાજ્ય સરકારની અત્યંત મહત્વાકાંક્ષી વૈનગંગા-નળગંગા નદી જોડાણ પ્રોજેક્ટને આજની કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.
આ પ્રોજેક્ટને કારણે લગભગ 54 લાખ હેક્ટર જમીન સિંચાઈ હેઠળ આવશે. જેના કારણે દુષ્કાળનો સામનો કરી રહેલા ખેડૂતોને મોટી રાહત થશે. મહત્વાકાંક્ષી વૈનગંગા-નળગંગા ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ, જે ખેડૂત આત્મહત્યાથી પ્રભાવિત જિલ્લાઓમાં મોટા પાયે સિંચાઈનું સર્જન કરીને આ વિસ્તારોમાં કૃષિને સમૃદ્ધ બનાવશે.
આ પણ વાંચો: મરાઠવાડા, વિદર્ભના જિલ્લામાં ભૂકંપ, કોઈ જાનહાનિ નહીં: અજિત પવાર
આ પ્રોજેક્ટને આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. 87 હજાર 342 કરોડ 86 લાખ રૂપિયાના ખર્ચનો આ પ્રોજેક્ટ ચાર લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ કરશે અને ખાસ કરીને મરાઠવાડા જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને ફાયદો થશે.
આ પ્રોજેક્ટ ગોદાવરી ઉપ-બેસિનમાંથી વૈનગંગાનું પાણી બુલઢાણા જિલ્લાના વૈનગંગા પ્રોજેક્ટમાં લાવશે. આ માટે કુલ 426.52 કિમી કનેક્ટિંગ કેનાલો બનાવવામાં આવશે. તેનો ઉપયોગ વિદર્ભના નાગપુર, વર્ધા, અમરાવતી, યવતમાળ, અકોલા, બુલઢાણા જિલ્લાના 15 તાલુકાઓમાં સિંચાઈ તેમજ પીવાના પાણી અને ઔદ્યોગિક હેતુઓ માટે કરવામાં આવશે.
રવિ સિઝનમાં પાણીનો ઉપયોગ કરી શકાય તે માટે 31 સંગ્રહ તળાવો પણ બનાવવામાં આવશે. આ માટેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ નેશનલ વોટર ડેવલપમેન્ટ એજન્સી દ્વારા 2018માં સબમિટ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ વોટર કમિશને પણ આને મંજૂરી આપી છે અને રાજ્ય જળ પરિષદની બેઠકમાં સંકલિત રાજ્ય જળ યોજનામાં પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.