દહીંહાંડી કાર્યક્રમમાં મોટો અકસ્માત: એકનાથ શિંદેનો બચાવ, મંચ તૂટતા અફરાતફરી

મુંબઈઃ જન્માષ્ટમી પર્વની મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઉજવણીના ભાગરુપે દહી હાંડીની ઉજવણી કરવામાં આવે છે. મુંબઈ સહિત થાણે, પાલઘરમાં ગોવિંદાની ધૂમ હતી. એક પર એક થર લગાવીને અવનવા રેકોર્ડ બનાવીને મટકી ફોડવામાં આવી હતી. જોકે, નવી મુંબઈ ખાતે દહી હાંડીના કાર્યક્રમ વખતે મંચ તૂટી પડ્યો હતો, જ્યાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ ઉપસ્થિત હતા. નસીબજોગે કોઈ જાનહાનિ થઈ નહોતી, જ્યારે એકનાથ શિંદે પણ બચી ગયા હતા.
શનિવારે રાતના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ઘણસોલીમાં દહીહાંડી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મોજમસ્તીમાં કાર્યક્રમ પૂરો થયો હતો. જોકે, તેઓ જઈ રહ્યા હતા ત્યારે અચાનક મંચ તૂટી પડ્યો હતો, જેમાં તેમનો આબાદ બચાવ થયો હતો. અહીંયા હાજર લોકોએ કહ્યું હતું કે એકનાથ શિંદે જ્યારે મંચ પરથી જઈ રહ્યા હતા ત્યારે અચાનક મંચ તૂટ્યો હતો. મંચ તૂટવાને કારણે અફરાતફરી મચી ગઈ હતી. મંચ પર વધારે પડતા વજનને કારણે મંચ બેસી ગયો હતો, પરંતુ રાહતની વાત એ હતી કે ડેપ્યૂટી સીએમને કોઈ ઈજા પહોંચી નહોતી.
આ પણ વાંચો: મુંબઈ સહિત થાણેમાં ધૂમધામથી દહીંહાંડીની ઊજવણી
સેંકડો લોકો ઘાયલ
દહીહાંડી ઉત્સવના દિવસે અલગ અલગ જગ્યાએ વિવિધ પ્રકારના અકસ્માતમાં 318 ગોવિંદાને ઈજા પહોંચી હતી, જેમાં 294 જણને સારવાર આપીને હોસ્પિટલમાંથી રજા આપી હતી, જ્યારે હજુ 24 જણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈમાં બે જણના મોત તયા હતા. અંધેરી પૂર્વના આદર્શનગર સ્થિત એક ટેમ્પોમાં બેઠેલા 14 વર્ષનો યુવક બેભાન થઈ ગયો હતો. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પછી તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. માનખુર્દમાં પણ દહીહાંડી બાંધતી વખતે 32 વર્ષના યુવકનું મોત થયું હતું.