શિંદેની પાઠશાળાઃ પાર્ટીની ‘બદનામી’ પછી વિધાનસભ્યો/મંત્રીઓના લીધા ‘ક્લાસ’, શું કહ્યું?

મુંબઈઃ રાજ્યમાં પાલિકાની ચૂંટણીની જાહેરાત પૂર્વે ઠાકરેબંધુ એક થયા પછી એક પછી એક મુદ્દે રાજકારણ ગરમાયું છે. એકનાથ શિંદેની પાર્ટીના નેતાઓના જાહેર થયેલા વીડિયો (મારપીટ અને પૈસાથી ભરેલી બેગ)એ પણ પાર્ટી પર એકનાથ શિંદેના અંકુશ મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા હતા. આ મુદ્દે એકનાથ શિંદેએ પાર્ટીના વિધાનસભ્યો અને નેતાઓના ક્લાસ લઈને ચેતવણી આપી હોવાનું જાણવા મળ્યું છે.
સમયસર સુધરી જવામાં તમારી ભલાઈ
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના વડા એકનાથ શિંદેએ પાર્ટીના ધારાસભ્યો અને પ્રધાનોને સુધરી જવાની ચેતવણી આપી છે. તેમના પક્ષના કેટલાક ધારાસભ્યો અને પ્રધાનોની હરકતોથી કંટાળીને શિંદેએ કહ્યું છે કે તમારી હરકતો માટે મારે જવાબ આપવો પડે છે. આનાથી મારું નામ ખરાબ થાય છે, તમે સમયસર સુધરી જાઓ એમાં જ તમારી ભલાઈ છે નહીંતર તમારે કેબિનેટ છોડવું પડશે.
આ પણ વાંચો: સંજય શિરસાટ ‘રોકડની થેલી’ સાથે જોવા મળ્યા બાદ, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ ટીકાનો ભોગ બન્યા
મોટા હશો, પણ પાર્ટીથી મોટા નથી
તેમણે ચેતવણી પણ આપી હતી કે તમે ગમે તેટલા મોટા હોવ, પરંતુ પાર્ટીથી મોટા નથી. જો પક્ષને બદનામ કરવાનો પ્રયાસ કરશો, તો મારે કાર્યવાહી કરવાની ફરજ પડશે. બીજી તરફ વિપક્ષે શિંદે પર આરોપ લગાવ્યો છે કે તેઓ તેમના ધારાસભ્યો અને પ્રધાનો સામે લાચાર છે. તેઓ કંઈ કરી શકતા નથી.
ભૂતકાળમાં આ કિસ્સાને કારણે બદનામી
શિંદે સેનાના નેતા અને બુલઢાણાના ધારાસભ્ય સંજય ગાયકવાડે આકાશવાણી ધારાસભ્ય નિવાસની એક કેન્ટિનના કર્મચારીને માર માર્યો હતો. શિંદે સેનાના કોટાના પ્રધાન સંજય શિરસાટની પૈસાથી ભરેલી સુટકેસ સાથેની એક વીડિયો ક્લિપ બહાર આવી હતી. વીડિયો જાહેર થયા પછી પણ તેઓ ઉદ્ધતાઇથી જવાબ આપતા રહ્યા.
ફડણવીસે પણ લગામ લગાવવા કહ્યું
આ બંને કિસ્સાઓએ નાયબ મુખ્ય પ્રધાન શિંદેને શરમમાં મૂકી દીધા હતા. આ મુદ્દો ચોમાસુ સત્રના બંને ગૃહોમાં પણ ગાજ્યો હતો. નાયબ મુખ્ય પ્રધાનને મીડિયામાં જવાબ આપવો ભારે પડી ગયો હતો. આનાથી શિંદે નારાજ થયા. એવું કહેવાય છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યપ્રધાન શિંદેને તેમના ધારાસભ્યો અને મંત્રીઓ પર લગામ લગાવવા કહ્યું હતું. સાથે કહ્યું હતું કે તેમના કૃત્યોથી સરકારની બદનામી થઇ રહી છે.
આ પણ વાંચો: મહાયુતિ વચ્ચેના વિવાદ વચ્ચે અજિત પવારે એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સંસ્થાના ઓડિટનો આદેશ આપ્યો
તમને નહીં મને સવાલ પૂછે લોકો
આ પછી, શિંદેએ સોમવારે મોડી રાત્રે દાદરમાં તેમના પક્ષના અગ્રણી નેતાઓ, ધારાસભ્યો અને પ્રધાનોની એક બેઠક બોલાવી. બેઠકમાં તેમનો ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. પાર્ટીના એક ધારાસભ્યએ જણાવ્યું હતું કે સંજય શિરસાટ અને સંજય ગાયકવાડ કેસ પ્રકાશમાં આવ્યા બાદ શિંદે સાહેબે આ બેઠક બોલાવી હતી, નહીં તો ચાલુ ચોમાસા સત્રમાં બેઠક બોલાવવાની કોઈ જરૂર નહોતી. નાયબ મુખ્યપ્રધાન શિંદેએ બેઠકમાં કડક કાર્યવાહી કરી હતી. તેમણે ગાયકવાડ અને શિરસાટને ઠપકો આપ્યો. તેમણે કહ્યું કે લોકો આવી ઘટનાઓ માટે તમારી તરફ નહીં, મારી તરફ આંગળી ચીંધે છે અને મને પ્રશ્નો પૂછે છે.
ઓછું બોલો ને વધુ કામ કરો
તમે બધા મારા પોતાના લોકો છો, અને તમારી બદનામી એટલે મારી બદનામી, તેથી તમારે બધાએ વ્યર્થ વાતોમાં તમારો સમય બગાડવો જોઈએ નહીં. ઓછું બોલો અને વધુ કામ કરો તો સારું રહેશે. આ પછી પણ જો કોઈ નહીં સુધરે, તો તેણે ઘરે જવું પડશે. મને તમારા લોકો સામે કાર્યવાહી કરવાનું પસંદ નથી, પરંતુ જો આવા બેજવાબદાર કૃત્યો ચાલુ રહેશે તો મારે કાર્યવાહી કરવી પડશે. શિંદેએ પક્ષના નેતાઓને સાવધ રહેવા અને તેમના જાહેર જીવનમાં શિસ્ત જાળવવા કહ્યું.
કોઈ ફરિયાદ હોય તો મને કહો
નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે શિંદેના ધારાસભ્યો અને પ્રધાનો જાહેરમાં તેમના પર આરોપ લગાવે છે કે અજિત પવાર ભંડોળ આપતા નથી. જો તેમને કોઈ ફરિયાદ હોય, તો તેમણે મને આવીને કહેવું જોઈએ, જાહેરમાં બોલવાની શું જરૂર છે. છેવટે, શિંદેનો પક્ષ પણ સરકારનો એક ભાગ છે. આમાં સરકાર જ બદનામ થાય છે.