
મુંબઈ: ટ્રોમ્બે અને કલ્યાણ વિસ્તારમાંથી પોલીસે બે આરોપીને ઝડપી પાડીને તેમની પાસેથી આઠ બંદૂક અને પંદર જીવંત કારતૂસો જપ્ત કરી હતી.
આરોપીઓની ઓળખ ચેતન સંજય માળી (26) અને સિનુ નરસૈયા પડિગેલા (48) તરીકે થઇ હોઇ કોર્ટે તેમને 17 જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
ટ્રોમ્બે પોલીસે મળેલી માહિતીને આધારે 13 જાન્યુઆરીએ છટકું ગોઠવીને ચેતન માળીને ચાર બંદૂક અને આઠ કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. ચેતન માળી વિરુદ્ધ ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
ચેતનની પૂછપરછમાં સિનુ પડિગેલા નામના આરોપીનું નામ સામે આવતાં તેની પણ કલ્યાણથી ત્રણ બંદૂક અને પાંચ કારતૂસ સાથે ધરપકડ કરવામાં આવી હતી. ચેતન અને સિનુ ઘણા સમયથી એકબીજાના સતત સંપર્કમાં હતા. પોલીસે બાદમાં વધુ એક બંદૂક અને બે કારતૂસ જપ્ત કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.