મીરા રોડની સોસાયટીમાં ગરબા વખતે ઈંડાં ફેંકાતાં વાતાવરણ તંગ…

થાણે: મીરા રોડની હાઉસિંગ સોસાયટીના ગ્રાઉન્ડમાં ગરબા રમાતા હતા ત્યારે બિલ્ડીંગના એક રહેવાસી દ્વારા ઈંડાં ફેંકવામાં આવતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું. રહેવાસીઓમાં ફેલાયેલા આક્રોશને જોતાં પોલીસે સોસાયટીમાં સુરક્ષા ગોઠવી દીધી હતી અને શકમંદ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
કાશીગાંવ પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદને આધારે બુધવારના મળસકે શકમંદ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 300 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટના બની એ જ કોમ્પ્લેક્સમાં શકમંદ રહેતો હોવાનું પોલીસનું કહેવું છે.
પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું કે ઘટના મંગળવારની રાતે 10.30થી 11 વાગ્યા દરમિયાન બની હતી.
મીરા રોડના કાશીગાંવ વિસ્તારમાં આવેલી એક હાઉસિંગ સોસાયટીમાં રહેવાસીઓ ગરબે ઘૂમી રહ્યા હતા ત્યારે ઈંડાં ફેંકવામાં આવ્યાં હતાં. ગરબા બંધ કરાવવા માટે આવું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.અધિકારીના જણાવ્યા મુજબ ઘટનાની અમુક મિનિટ પહેલાં જ શકમંદ મેદાનમાં નજરે પડ્યો હતો.
અવાજનું ડેસિબલ લેવલ તપાસી શકમંદ ગરબા રમનારાઓનું મોબાઈલ ફોનથી વીડિયો શૂટિંગ કરતો નજરે પડ્યો હતો. બાદમાં તેણે અવાજ બંધ કરાવવા માટે અનેક વાર પોલીસને કૉલ પણ કર્યા હતા. કહેવાય છે કે રાતે 10.50 વાગ્યે એમુક રહેવાસીઓએ શકમંદને બિલ્ડિંગના 16મા માળેથી કંઈક ફેંકતા જોયો હતો. એ જ સમયે ઘટનાસ્થળે હાજર બે મહિલા પોલીસની નજીકમાં ફૂટેલાં ઈંડાં દેખાયાં હતાં.
આવી હરકતથી રહેવાસીઓ રોષે ભરાયા હતા અને કાશીગાંવ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ઈંડાં ફેંકનારા વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી હતી. લોકોનો રોષ જોઈ પોલીસે સોસાયટીમાં વધારાની પોલીસ સુરક્ષા ગોઠવી દીધી હતી. આ પ્રકરણે પોલીસ તપાસ કરી રહી હોઈ બુધવારની મોડી સાંજ સુધી કોઈની ધરપકડ કરાઈ નહોતી. (પીટીઆઈ)
આ પણ વાંચો…દશેરામાં વરસાદી વિઘ્ન નહીં…