થાણે પાલિકાની સ્કૂલના ૪૧ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલમાં ભણતા ૪૧ વિદ્યાર્થીઓને મધ્યાન ભોજન લીધા બાદ તેમનામાં ખોરાકી ઝેરના લક્ષણો જણાતાં તેમને તરત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
થાણે પાલિકા પ્રશાસનના અધિકારીના જણાવ્યા મુજબ દીવા-આગાસન વિસ્તારમાં સ્કૂલ નંબર ૮૮માં બપોરના મધ્યાન ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓએ પેટમાં ગડબડ હોવાની ફરિયાદ કરી હતી. એક બાદ એક ૪૧ વિદ્યાર્થીઓએ ફરિયાદ કરતા તેમને તરત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે.
આપણ વાંચો: શાહપુરની આશ્રમશાળામાં વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર: ચાર સામે ગુનો
કલવામાં આવેલી થાણે પાલિકા સંચાલિત છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલની ડૉકટરોની ટીમને પ્રાથમિક સારવાર આપવા માટે સ્કૂલમાં મોકલવામાં આવ્યા હતા. બાદમાં ૪૧ વિદ્યાર્થીઓને હૉસ્પિટલમાં અંડર ઓબ્ઝરવેશન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું પાલિકાના ડેપ્યુટી કમિશનર (હેલ્થ) ગોદેપુરેએ જણાવ્યું હતું.
થાણે પાલિકા કમિશનર સૌરભ રાવે જણાવ્યું હતું કે બપોરના સ્કૂલના પાંચમાથી સાતમા ધોરણના બાળકોને મધ્યાન ભોજનમાં ખીચડી ખાવા માટે આપવામાં આવી હતી. ખીચડી ખાધા બાદ બાળકોએ પેટમાં તકલીફ હોવાની ફરિયાદ કરી હતી. જોકે હવે બાળકોની તબિયત સ્થિર છે.