શિક્ષક પાસે લાંચ લેવા બદલ શિક્ષણ અધિકારીની ધરપકડ

થાણે: ચાર શિક્ષકોનો પગાર છૂટો કરવા માટે રૂ. 40 હજારની લાંચ લેવા બદલ રાયગડ જિલ્લા પરિષદના પ્રાથમિક શિક્ષણ વિભાગના કોઓર્ડિનેટરની ધરપકડ કરવામાં આવી હતી. એમ એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)એ જણાવ્યું હતું.
47 વર્ષનો આરોપી પનવેલ વિસ્તારના જતાડે ખાતેની પ્રાથમિક શાળાનો નાયબ શિક્ષક પણ હતો. જિલ્લા પરિષદની શાળાઓના ચાર શિક્ષકના જૂન અને જુલાઇનો પગાર છૂટો કરવા માટે આરોપીએ રૂ. 40 હજારની લાંચ માગી હતી.
આપણ વાંચો: ગુજરાતમાં ‘ભૂતિયા’ શિક્ષકોને સોટીનો માર : શિક્ષણ વિભાગે 134 જેટલા શિક્ષકોને કર્યા ઘરભેગા
આમાંના એક શિક્ષકે આ પ્રકરણે એસીબીના રાયગડ યુનિટમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે 4 સપ્ટેમ્બરે છટકું ગોઠવાયું હતું. જોકે આરોપીને આની જાણ થઇ જતાં તે લાંચ સ્વીકારવા માટે ત્યાં આવ્યો નહોતો.
દરમિયાન મુંબઈ-પુણે હાઇવે પર ખાલાપુર ફાટા પાસે બુધવારે ફરી છટકું ગોઠવવામાં આવ્યું હતું અને ફરિયાદી પાસેથી લાંચ સ્વીકારતી વખતે આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. (પીટીઆઇ)