‘આ’ કારણસર મુંબઈની રિયલ્ટી કંપની પર ઈડીની તવાઈઃ ડિરેક્ટરની કરી પૂછપરછ
મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ વિદેશી હૂંડિયામણના ઉલ્લંઘનના કેસમાં મુંબઈ સ્થિત રિયલ્ટી કંપની હિરાનંદાની ગ્રુપના પ્રમોટર અબજોપતિ ઉદ્યોગપતિ નિરંજન હિરાનંદાનીની પૂછપરછ કરી છે. ૭૩ વર્ષીય રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિએ આ કેસમાં તેમનું નિવેદન નોંધાવતા કેન્દ્રીય એજન્સીને કેટલાક દસ્તાવેજો સોંપ્યા હોવાનું માનવામાં આવે છે.
નિરંજન હિરાનંદાની અને તેમના પુત્ર દર્શન હિરાનંદાનીને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ તેમની સામે હાથ ધરવામાં આવી રહેલી તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અહીં તેની ઓફિસમાં તપાસમાં જોડાવા માટે કહેવામાં આવ્યું હતું. દર્શન હિરાનંદાની છેલ્લા ઘણા સમયથી દુબઈમાં રહે છે.
ગયા મહિને એજન્સી દ્વારા મુંબઈ અને તેની આસપાસની ગ્રૂપની લગભગ ચાર જગ્યાઓની તપાસ કરવામાં આવી હતી. ૧૯૭૮ માં સ્થપાયેલ રિયલ્ટી જૂથે મધ્ય મુંબઈ અને પડોશી થાણેમાં, પવઈમાં ઓફિસ અને રહેણાંક પ્રોજેક્ટ્સ વિકસાવ્યા છે.
કેટલાક વિદેશી વ્યવહારો ઉપરાંત, એજન્સી હિરાનંદાની જૂથના પ્રમોટર્સ સાથે કથિત રીતે જોડાયેલા બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ સ્થિત ટ્રસ્ટના લાભાર્થીઓની તપાસ કરી રહી હોવાનું કહેવાય છે. રિયલ્ટી ગ્રૂપે કહ્યું છે કે તે ફેમાની આ તપાસમાં ઇડી ને સહકાર આપશે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઇડી તપાસ ટીએમસી નેતા મહુઆ મોઇત્રા સામે કરવામાં આવી રહેલી અન્ય ફેમા તપાસ સાથે જોડાયેલી નથી, જેમને તાજેતરમાં લોકસભા સાંસદ તરીકે હાંકી કાઢવામાં આવ્યા હતા.
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મોઇત્રા પર ગિફ્ટના બદલામાં દર્શન હિરાનંદાનીના કહેવા પર અદાણી ગ્રૂપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવા માટે લોકસભામાં પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવ્યો હતો.