ઈન્વેસ્ટમેન્ટ બૅન્કરને નકલી પેઈન્ટિંગ્સ વેચવા મામલે ઈડીએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ઈન્વેસ્ટમેન્ટ બૅન્કરને નકલી પેઈન્ટિંગ્સ વેચવા મામલે ઈડીએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી

મુંબઈ: એમ. એફ. હુસેન અને એસ. એચ. રઝા જેવા પ્રસિદ્ધ કલાકારોનાં 11 નકલી પેઈન્ટિંગ્સ ઈન્વેસ્ટમેન્ટ બૅન્કરને 17.9 કરોડ રૂપિયામાં કથિત રીતે વેચવાના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે (ઈડી) એક વકીલ સહિત પાંચ જણ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે આ પેઈન્ટિંગ્સ મધ્ય પ્રદેશના ‘મહારાજા’ પાસેથી પ્રાપ્ત કર્યાં હોવાનો દાવો આરોપીએ કર્યો હતો. જોકે તપાસ કરતાં એ ગરીબ ખેડૂત અને નિવૃત્ત આઈએએસ અધિકારી હોવાનું જણાયું હતું અને બન્નેએ કોઈ પેઈન્ટિંગ્સ વેચ્યાં ન હોવાનું કહ્યું હતું.

મની લોન્ડરિંગ ઍક્ટ હેઠળના કેસોની સુનાવણી હાથ ધરતી વિશેષ અદાલતમાં આરોપનામું દાખલ કરાયું હતું. ચાર્જશીટમાં આરોપીઓ તરીકે શહેરના વકીલ વિશ્ર્વાંગ દેસાઈ, રૅર આર્ટ ગૅલેરીના માલિક રાજેશ રાજપાલ, શ્રી નમો બુલિયન્સના માલિક અભિષેક જૈન અને મનીષ ગૉલ્ડ પૅલેસના મનીષ સાકરિયાનાં નામ છે.

આ પણ વાંચો: આંદામાન નિકોબાર સહકારી બેંક ગોટાળા કેસમાં ઈડીએ ભૂતપૂર્વ સાંસદની ધરપકડ કરી

મુંબઈના તાડદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એફઆઈઆરને આધારે ઈડીએ મની લોન્ડરિંગની તપાસ હાથ ધરી હતી.
ફરિયાદ અનુસાર ઈન્વેસ્ટમેન્ટ બૅન્કર પુનીત ભાટિયાએ ફેબ્રુઆરીથી મે, 2022 દરમિયાન 17.90 કરોડ રૂપિયામાં પ્રસિદ્ધ ચિત્રકારો મનજિત બાવા, એમ. એફ હુસેન, એસ. એચ. રઝા અને એફ. એન. સૌઝાનાં 11 પેઈન્ટિંગ્સ ખરીદ્યાં હતાં. પેમેન્ટ રાજેશ રાજપાલની આર્ટ ઈન્ડિયા ઈન્ટરનૅશનલને કરવામાં આવ્યું હતું.

ઈડીની તપાસમાં જણાયું હતું કે દેસાઈએ પોતાની ઓળખ આર્ટ કલેક્ટર તરીકે આપી હતી. તેને પચીસ વર્ષથી વધુનો અનુભવ હોવાનું કહીને ભાટિયાને પેઈન્ટિંગ્સમાં રોકાણ કરવા મનાવી લીધા હતા. પોતે જાણીતા આર્ટ ડીલર રાજપાલ સાથે ઓળખાણ ધરાવતો હોવાનું પણ ભાટિયાને કહ્યું હતું.

તપાસ દરમિયાન ઈડી દ્વારા પેઈન્ટિંગ્સ, શિલ્પો અને ચાંદીની ચીજો સહિત 6.47 કરોડ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હતી.

(પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button