ડિલિવરી બોક્સ પરના બારકૉડ સ્ટીકર બદલીને ઇ-કોમર્સ કંપની સાથે છેતરપિંડી: ચાર ઝડપાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ડિલિવરી બોક્સ પરના બારકૉડ સ્ટીકર બદલીને જાણીતી ઇ-કોમર્સ કંપની સાથે છેતરપિંડી આચરનારા ચાર આરોપીની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. બોરીવલીથી પકડાયેલા ચારેય આરોપી પાસેથી ઇલેક્ટ્રોનિક સામાન, ડિલિવરી માટેનો ટેમ્પો અને કાર સહિત 46 લાખ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હતી.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-8ના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ પંકજકુમાર જિંદલ, વિજયકુમાર મહેન્દ્રસિંહ સહારન, સમશેરસિંહ રઘુવિલ આલાન અને સુમંતકુમાર દાઉરામ સાહુ તરીકે થઇ હતી. સુમંતકુમાર સાહુ છત્તીસગઢનો, જ્યારે બાકીના ત્રણ આરોપી હરિયાણાના રહેવાસી છે. ધરપકડ બાદ ચારેયને અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને 13 ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
આપણ વાંચો: વેપારી સાથે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં શિલ્પા શેટ્ટીની ચાર કલાક પૂછપરછ
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને માહિતી મળી હતી કે હરિયાણાથી અમુક શકમંદો બોરીવલી આવ્યા હોઇ તેમણે ઓનલાઇન શોપિંગ ઍપ પરથી કેટલીક કીમતી અને સસ્તી વસ્તુઓ ઓર્ડર કરી છે, જેની ડિલિવરી કરનારો ઇ-કોમર્સ કંપનીનો ડિલિવરી બોય પણ શકમંદો સાથે મળેલો છે અને ડિલિવરી સમયે તે શકમંદોની મદદથી કીમતી વસ્તુના બોક્સ પરના બારકાૅડ સ્ટીકર કાઢીને તે સસ્તી વસ્તુના બોક્સ પર, જ્યારે સસ્તી વસ્તુના બોક્સ પરના સ્ટીકર કીમતી વસ્તુના બોક્સ પર ચોંટાડી દે છે. બાદમાં આ ઓર્ડર જણાવેલા સરનામે પહોંચવાને બદલે શકમંદોને સુપરત કરવામાં આવે છે અને તેેઓ કીમતી વસ્તુ પોતાની પાસે રાખી લે છે. ત્યાર બાદ તેઓ પોતાનો ઓર્ડર રદ કરી પૈસા કંપની પાસેથી પાછા લઇને છેતરપિંડી કરે છે.
આ પ્રમાણે ઇ-કોમર્સ કંપનીને ઠગનારા આરોપીઓ સોમવારે બોરીવલી પશ્ર્ચિમમાં ડિલિવરી લેવા માટે આવવાના હોવાની માહિતી મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ છટકું ગોઠવી ડિલિવરી બોય સહિત ચારને બોરકૉડ સ્ટીકર બદલતી વખતે તાબામાં લીધા હતા. ચારેય વિરુદ્ધ બોરીવલી પોીલસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.