થાણે: ઉલ્હાસનગરમાં ચાલકે દારૂના નશામાં કાર હંકારીને અન્ય વાહનોને ટક્કર મારતાં મહિલા સહિત ત્રણ જણનાં મોત થયાં હતાં, જ્યારે ત્રણને ઇજા પહોંચી હતી.
ઉલ્હાસનગરના સેન્ટ્રલ પોલીસ સ્ટેશનની હદમાં સોમવારે વહેલી સવારે આ અકસ્માત થયો હતો. કારનો ચાલક દારૂના નશામાં હતો અને તે કલ્યાણથી ઉલ્હાસનગર પોતાના ઘરે જઇ રહ્યો હતો ત્યારે તેણે શોરૂમ નજીક રિક્ષા સહિત ત્રણ વાહનને ટક્કર મારી હતી, જેમાં છ જણ ઘાયલ થયા હતા, એમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ત્રણ જણને તપાસીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
મૃતકોની ઓળખ સુબુદ્દીન જાના અને તેની પત્ની અંજલિ જાના તથા શંભુરાજ ચવ્હાણ તરીકે થઇ હતી. આમાંના બે જણ પશ્ર્ચિમ બંગાળથી આવ્યા હતા અને તેઓ કલ્યાણથી રિક્ષામાં ઉલ્હાસનગર જઇ રહ્યા હતા. આ અકસ્માત બાદ કારચાલક નાગેશ રામાણી ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. જોકે તેને બાદમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.
ચાલક વિરુદ્ધ ભારતીય દંડસંહિતા અને મોટર વેહિકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.