નશામાં વાહન ચલાવનારાઓ ચેતજો: દંડ ફટકારવાને બદલે હવે સીધો ગુનો નોંધાશે
સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુનો નોંધી લાઈસન્સ અને વાહન જપ્ત કરવાનો આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દારૂના નશામાં વાહન ચલાવનારાઓએ હવે ખાસ ચેતવા જેવું છે. નશામાં વાહન ચલાવતાં પકડાયા તો મોટર વેહિકલ ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવાને બદલે હવે સીધો ગુનો નોંધવાનો આદેશ વરિષ્ઠ અધિકારીએ આપ્યો છે. સંબંધિત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને લાઈસન્સ અને વાહન જપ્ત કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
ગોરેગામ પૂર્વમાં સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના જવાને દારૂના નશામાં કાર ચલાવી રિક્ષાને અડફેટે લેતાં એક મહિલાનું મૃત્યુ થયું હતું, જ્યારે મહિલાની બે દીકરી સહિત ત્રણ ગંભીર રીતે ઘવાયા હોવાની ઘટના ગુરુવારની વહેલી સવારે બની હતી.
આ રીતે દારૂના નશામાં વાહન ચલાવીને પોતાના અને અન્યોના જીવ જોખમમાં મૂકનારાઓ પર લગામ તાણવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા કડક પગલાં લેવાનું નક્કી કરાયું છે.
આપણ વાંચો: પોલીસની વિશેષ ઝુંબેશ: રૅશ ડ્રાઈવિંગના 85 ગુના નોંધી 153 વાહનો જપ્ત
ટ્રાફિક વિભાગના વરિષ્ઠ અધિકારી દ્વારા અપાયેલા આદેશ અનુસાર નશામાં વાહન ચલાવતા પકડાયેલા ડ્રાઈવરો વિરુદ્ધ સંબંધિત પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 125 હેઠળ ગુનો નોંધવામાં આવશે. એ સિવાય મોટર વેહિકલ ઍક્ટની 185 તેમ જ ગુનાના સ્વરૂપ અનુસાર અન્ય કલમો પણ લાગુ કરાશે.
આવા ડ્રાઈવરોનાં લાઈસન્સ અને વાહનો જપ્ત કરવાની ભલામણ પણ આદેશમાં કરાઈ છે. આ આદેશ દરેક પોલીસ સ્ટેશનને આપવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું..
પોલીસના જણાવ્યા મુજબ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવે છે. નાકાબંધી અને વિશેષ ઝુંબેશ હાથ ધરી નશામાં વાહન ચલાવનારાઓ સામે કાર્યવાહી કરાય છે.
આપણ વાંચો: હોટેલ-બારના માલિકો માટે થાણે પોલીસનો જાણી લેજો આદેશ
2023માં દારૂ પીને વાહન ચલાવનારા 2,562 ડ્રાઈવર ઝડપાયા હતા, જ્યારે ગયા વર્ષે 2024માં તો આવા ડ્રાઈવરો પકડાવાનું પ્રમાણ 269 ટકા જેટલું વધી ગયું હતું. 2024માં કુલ 9,462 ડ્રાઈવરો નશામાં વાહન ચલાવતાં પકડાયા હતા.
અધિકારીના કહેવા મુજબ ગયા વર્ષે જાન્યુઆરીથી માર્ચના ત્રણ મહિનામાં 1,356 ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી, જ્યારે આ વર્ષના શરૂઆતના ત્રણ મહિનામાં ખાસ્સા 2,264 જણ દારૂના નશામાં વાહન ચલાવતાં ઝડપાયા હતા.
નશામાં વાહન ચલાવનારાઓ પર મચક બેસાડવા માટે કડક પગલાં ભરવાનું નક્કી કરાયું છે. ગુનો નોંધવામાં આવે તો પાસપોર્ટ અને વિઝા મેળવવા જેવી પ્રક્રિયામાં વિઘ્ન આવતું હોવાથી નશામાં વાહન ચલાવનારાઓને રોકવામાં સફળતા મળી શકે છે, એવી આશા પોલીસે વ્યક્ત કરી હતી.