ડ્રગ પેડલર જેલમાંથી છૂટ્યાની ઉજવણી: 45 જણ સામે ગુનો
થાણે જેલથી મીરા રોડ સુધી સરઘસ કાઢી સૂત્રોચ્ચાર સાથે ફટાકડા ફોડ્યા: મોટા અવાજે મ્યુઝિક વગાડી ડરનો માહોલ ઊભો કર્યો

થાણે: જામીન પર છૂટેલા ડ્રગ પેડલરની ખુશીમાં ભારે હંગામો મચાવી ઉજવણી કરવા બદલ પોલીસે 45 જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. થાણે સેન્ટ્રલ જેલથી મીરા રોડ સુધી કારમાં સરઘસ કાઢ્યા પછી સૂત્રોચ્ચાર સાથે ફટાકડા ફોડવામાં આવ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
ઉજવણીના વીડિયોને આધારે મીરા રોડની નયાનગર પોલીસે શનિવારે 45 જણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ એનડીપીએસ ઍક્ટ હેઠળ ધરપકડ કરાયેલા ડ્રગ પેડલર કામરાન મોહમ્મદ ખાનના તાજેતરમાં કોર્ટે જામીન મંજૂર કર્યા હતા.
કામરાન છૂટવાનો હોવાની માહિતી મળતાં જ જેલના તેના ભૂતપૂર્વ સાથીઓ અને અન્ય લોકો 16 જુલાઈની રાતે થાણે સેન્ટ્રલ જેલ બહાર એકઠા થયા હતા. જેલથી મીરા રોડ સુધી કારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. પછી નયાનગરની એક હોટેલ બહાર ભેગા થઈ સૂત્રોચ્ચાર કરીને ફટાકડા ફોડવામાં આવ્યા હતા.
ભેગા થયેલા ટોળાએ મોટા અવાજે મ્યુઝિક વગાડી ડરનો માહોલ ઊભો કર્યો હતો અને નાગરિકોને ત્રાસ આપ્યો હતો. આ ઉજવણીનો વીડિયો બાદમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. પોલીસને હાથ લાગેલા વીડિયોમાં 45માંથી નવ જણની ઓળખ થઈ હતી, જેમનાં નામ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યાં હતાં. બાકીઓની ઓળખ મેળવવાના પ્રયાસ પોલીસે હાથ ધર્યા હતા. (પીટીઆઈ)