બકરાં ઉછેરને નામે કર્જતના ફાર્મ હાઉસમાં ડ્રગ્સ બનાવવાની ફૅક્ટરી: 24.47 કરોડનું એમડી જપ્ત
છ આરોપીની ધરપકડ: ફૅક્ટરીમાંથી મળેલા કાચા માલથી 150 કિલો એમડી બન્યું હોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બકરાં ઉછેરને નામે કર્જતનું ફાર્મ હાઉસ ભાડે લઈ તેમાં શરૂ કરાયેલી ડ્રગ્સ બનાવવાની ફૅક્ટરીનો પર્દાફાશ કરી મુંબઈ પોલીસે છ આરોપીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે 24.47 કરોડ રૂપિયાનું મેફેડ્રોન (એમડી) જપ્ત કર્યું હતું, જ્યારે ફૅક્ટરીમાંથી મળેલા કાચા માલમાંથી વધુ 150 કિલો એમડી બનાવી શકાયું હોત, એમ પોલીસે જણાવ્યું હતું.
આરસીએફ પોલીસે પકડી પાડેલા આરોપીઓમાં રેહાન શેખ, શિવા ગુપ્તા, રાજન સુબ્રમણ્યમ, સોનુ પઠાણ અને આરકન મેમણનો સમાવેશ થાય છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
અધિકારીના જણાવ્યા મુજબ માર્ચ મહિનામાં ચેમ્બુર પરિસરમાં પેટ્રોલિંગ પર હાજર આરસીએફ પોલીસની ટીમે એક શખસને તાબામાં લીધો હતો. તેની પાસેથી 45 ગ્રામ એમડી મળી આવ્યું હતું. તેની વિરુદ્ધ ગુનો નોંધી આરસીએફ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પકડાયેલા શખસે આપેલી માહિતીને આધારે પોલીસે મુંબઈ અને નવી મુંબઈથી ચાર જણને તાબામાં લીધા હતા. તેમની પાસેથી 13.37 કરોડ રૂપિયાનું એમડી જપ્ત કરાયું હતું.
આરોપીની પૂછપરછ પછી પોલીસની ટીમે ત્રણ દિવસ પહેલાં કર્જતના કિકવી સ્થિત સાવલી ફાર્મ હાઉસ પર રેઇડ કરી હતી. બકરાં ઉછેરને નામે આ ફાર્મ હાઉસમાં એમડી બનાવવાની ફૅક્ટરી શરૂ કરવામાં આવી હતી. ફાર્મ હાઉસના માલિકને બકરાં અને મરઘાં ઉછેરનો વ્યવસાય શરૂ કરવા રૂમ ભાડે જોઈતી હોવાનું આરોપીએ કહ્યું હતું. મહિને લાખ રૂપિયાના ભાડે બે રૂમ ભાડે લેવામાં આવી હતી. છેલ્લા ત્રણ મહિનાથી આરોપીઓે ડ્રગ્સ બનાવતા હતા, એવું તપાસમાં જણાયું હતું.
ફૅક્ટરીમાંથી પોલીસને 11.05 કરોડ રૂપિયાનું એમડી અને એક કરોડ રૂપિયાનો કાચો માલ જપ્ત કર્યો હતો. આ કાચા માલમાંથી અંદાજે દોઢસો કિલો એમડી બનાવી શકાયું હોત, એવું તપાસમાં જણાયું હતું. ફૅક્ટરીમાંથી ડ્રગ્સ બનાવવાનાં સાધનો જપ્ત કરવામાં આવ્યાં હોઈ અત્યાર સુધીમાં આ ટોળકીએ કેટલું ડ્રગ્સ બનાવી વેચ્યું હતું તેની તપાસ પોલીસ કરી રહી છે.
આ પણ વાંચો….ડ્રગ્સના દૂષણને નાથવા મહારાષ્ટ્ર પોલીસ સજ્જ: એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ…