થર્ટીફર્સ્ટની પાર્ટી માટે ડ્રગ્સનું ઉત્પાદન કરનારા પકડાયા: છ કરોડનું મેફેડ્રોન જપ્ત

થાણે: નવી મુંબઈ પોલીસે છ આરોપીની ધરપકડ કરી થર્ટીફર્સ્ટની પાર્ટીઓમાં સપ્લાય માટે તૈયાર કરાયેલું અંદાજે છ કરોડ રૂપિયાનું મેફેડ્રોન ડ્રગ જપ્ત કર્યું હતું.
સિનિયર ઈન્સ્પેક્ટર નીરજ ચૌધરીએ જણાવ્યું હતું કે નવી મુંબઈ પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલે માહિતીને આધારે મુંબઈ-ગોવા હાઈવે પાસેના શિરઢોણ ગામેથી 3 ડિસેમ્બરે એક શખસને પકડી પાડ્યો હતો. તેની પાસેથી 6.10 લાખનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. તેની પૂછપરછમાં બદલાપુર અને ખાલાપુરથી ત્રણ જણની ધરપકડ કરાઈ હતી.
પોલીસે દેખુ અને ઉમ્બારે સ્થિત ફૅક્ટરી અને ફાર્મ હાઉસમાં પણ સર્ચ હાથ ધરી હતી. બન્ને સ્થળે મેફેડ્રોનનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું જણાયું હતું. પોલીસે 5.39 કરોડ રૂપિયાનું મેફેડ્રોન અને 45 લાખ રૂપિયાનું 330 લિટર કેમિકલ જપ્ત કર્યું હતું. આ કેસમાં વધુ બે જણને પણ પકડી પાડવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પકડાયેલા છ આરોપીમાં સાદાબ સઈદ સૈયદ, સોહેલ મુન્નાવર અલી લમ્બુ, વાઝહુલ વફા ચૌધરી, સૈફુલ્લા શેખ, મોહસીન અન્સારી અને સિદ્ધ પાલનો સમાવેશ થાય છે. આરોપીઓ નવા વર્ષની પાર્ટીઓમાં સપ્લાય કરવા માટે ડ્રગ્સનું ઉત્પાદન કરતા હતા. વાઝહુલ અગાઉ ડીઆરઆઈના કેસમાં 16 વર્ષ જેલમાં વિતાવી ચૂક્યો છે. સૈફુલ્લા પણ રેકોર્ડ પરનો આરોપી હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)