આમચી મુંબઈ

ડ્રગ માફિયા લલિત પાટીલ આખરે ઝડપાયો: એક ફોન કોલને કારણે આખી ગેમ બદલાઇ

મુંબઇ: ડ્રગ્સને કારણે છેલ્લાં કેટલાંક દિવસોથી ચર્ચામાં રહેનાર લલિત પાટીલને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. મુંબઇ પોલીસે ચેન્નઇમાંથી લલિતને પકડ્યો હોવાની વિગતો જાણવા મળી છે. પુણેની સસૂન હોસ્પિટલ પાસેથી પસાર થઇ ઉત્તર પ્રદેશના રસ્તે નેપાળ ગયો છે એમ કહેવાઇ રહ્યું હતું. પુણે પોલીસ સતત લલિતની શોધખોળ કરી રહી હતી. પુણે પોલીસની સાથે સાથે મુંબઇ પોલીસ પણ લલિતને શોધી રહી હતી. ઉલ્લેખનીય છે કે મુંબઇ પોલીસે જ લલિત પાટીલની નાસિકમાં ચાલી રહેલી ડ્રગ્સની ફેક્ટરી બંધ કરાવી હતી.

મુંબઇ પોલીસે લલિત પાટીલને ચેન્નઇથી ઝડપી પાડ્યો હોવાની વિગતો જાણવા મળી છે. આ ધરપકડની તમામ બાબતો હાલમાં ગુપ્ત રાખવામાં આવી છે. કારણકે આ બાબત ખૂબ જ સંવેદનશીલ છે. લલિત પાટીલને ભાગવામાં રાજકીય નેતાઓએ મદદ કરી હોવાનો આક્ષેપ પણ થઇ રહ્યો હતો. રાજકીય નેતાઓના આશિર્વાદથી જ લલિત પાટીલને સસૂન હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હોવાનું કહેવાઇ રહ્યું છે. હવે લલિત પાટીલને સાકીનાકા પોલીસની ટીમે ચેન્નઇમાંથી પકડ્યો હોવાની વિગતો જાણવા મળી છે. પોલીસની આ જ ટીમે નાસિકમાં 200-300 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યુ હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર લલિત પાટીલ પુણેથી ગુજરાત ગયો હતો. ત્યાંથી તેણે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ગાડી ભાડે લીધી હતી. એ ગાડીથી લિલત પાટીલ કર્ણાટક ગયો હતો. ત્યાંથી તે ચેન્નઇ પહોંચ્યો હતો.

નાસિકમાં મુંબઇ પોલીસે જ્યારે કાર્યવાહી કરી ત્યારે લલિત પાટીલની ખૂબ જ નજીકની વ્યક્તીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ અંગેની કોઇ જ જાણ મીડિયાને પણ કરવામાં આવી નહતી. પોલીસના તાબામાં રહેલી આ વ્યક્તીને જ લલિત પાટીલે ફોન કર્યો હતો. ત્યાર બાદ પોલીસે આ આરોપીને લલિત પાટીલ સાથે વાત કરવા કહ્યું હતું. ફોન પર લિલતે પોતે કેવી રીતે ફરાર થયો, ક્યાંથી ક્યાં અને કેવી રીતે ગયો તે બધી જ હકીકત કહી. ત્યાર બાદ આ ફોનકોલને આધારે લોકેશન મેળવી મુંબઇ પોલીસે તેનો પીછો કર્યો. અને આખરે ચેન્નઇથી લિલત પાટીલને પકડ્યો હતો.

સસૂન ડ્રગ્સ રેકેટના મુખ્ય આરોપી લલિત પાટીલનો ભાઇ અને મેફેડ્રોન બનાવનાર ભૂષણ પાટીલ તથા અભિષેક વલકવડે આ બંનેને પુણે પોલીસે 10 ઓક્બોરના રોજ નેપાળ બોર્ડર પરથી પકડ્યા હતાં. લલિત પાટીલને પોલીસ શોધી રહી હતી. જેમાં મુંબઇ પોલીસને સફળતા મળી હતી. લલિત પાટીલ પોલીસની નજરકેદમાંથી ફરાર થઇ ગયો હતો. જેને કારણે પોલીસ પર પણ આક્ષેપો થવા લાગ્યા હતાં. આ મુદ્દે કોર્ટે પણ પોલીસને ફટકાર લગાવી હતી. જોકે આખરે મુંબઇ પોલીસે લિલતને પકડીને પોતાની સક્ષમતા ફરી એકવાર સાબિત કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button