ડોંબિવલી મોટાગાંવ રેલવે ક્રોસિંગ પર ચાર-લેન રેલવે ફ્લાયઓવરને મંજૂરી

₹ 168 કરોડના ખર્ચે બનશે ફ્લાયઓવર: K.D.M.C. દ્વારા વહીવટી મંજૂરીની માંગ
મુંબઈઃ ડોંબિવલી – ડોંબિવલી પશ્ચિમમાં માણકોલી ફ્લાયઓવર સાથે જોડાયેલા દિવા-વસઈ રેલવે લાઇન પરના રેતીબંદર મોટાગાંવ રેલવે ક્રોસિંગ પર ચાર-લેન રેલ્વે ઓવરબ્રિજ બનાવવા માટે રેલ્વે પ્રશાસને મંજૂરી આપી દીધી છે. આ પુલ રેલવે ક્રોસિંગ પર માર્ગ દ્વારા મુસાફરી કરતા મુસાફરોની ભીડનો અંત લાવશે. આ પુલના કામ માટે કુલ ૧૬૮ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે અને કલ્યાણ ડોમ્બિવલી નગરપાલિકાએ થાણે જિલ્લા કલેક્ટરને આ કામ માટે સરકારી ભંડોળને વહીવટી મંજૂરી આપવાની માંગ કરી છે.
ડોંબિવલીથી થાણે, મુંબઈનું અંતર ઓછું કરવા માટે, કલ્યાણ શિલફાટા, દુર્ગાડી, કોન થી ભિવંડી બાયપાસ રોડ પરની ટ્રાફિક જૅમથી છુટકારો મેળવવા માટે, મોટાભાગના પ્રવાસીઓ ડોંબિવલીથી માણકોલી ફ્લાયઓવર દ્વારા થાણે, મુંબઈ, મુંબ્રા થઈને નવી મુંબઈ, પનવેલ તરફ જવાનું પસંદ કરી રહ્યા છે. માણકોલી ફ્લાયઓવર પર જવા માટે ડોંબિવલીથી રેતીબંદર મોટા ગાંવ રેલ્વે ફાટક થઈને જવું પડે છે. આ રેલ્વે લાઇન દિવા-વસઈ, વસઈ-પનવેલ શહેરોને જોડે છે.
આ પણ વાંચો: રેલવે ક્રોસિંગ પર કડક સુરક્ષાઃ અકસ્માતો ઘટાડવા CCTV, વોઈસ રેકોર્ડર અને અન્ય 11 નિર્ણય
રેલવે ક્રોસિંગ પર ફ્લાયઓવરની ઉપયોગીતાને ધ્યાનમાં રાખીને, કલ્યાણ ડોંબિવલી નગરપાલિકાએ બે વર્ષ પહેલાં સરકાર પાસે ભંડોળની માંગણી કરી હતી. સરકારે ૧૬૮ કરોડ રૂપિયાના ભંડોળને મંજૂરી આપી છે. નગરપાલિકાએ થાણે જિલ્લા કલેક્ટર ડૉ. શ્રી કૃષ્ણ પંચાલ પાસેથી આ ભંડોળ માટે વહીવટી મંજૂરીની માંગણી કરી છે.



