ડોમ્બિવલીમાં સગીર બહેન સાથે કુકર્મ આચરનારા ભાઈને 10 વર્ષની કેદ

થાણે: ડોમ્બિવલીમાં સગીર બહેન પર ધમકી આપીને બળાત્કાર ગુજારવાના 10 વર્ષ અગાઉના કેસમાં કલ્યાણની સેશન્સ કોટે આરોપી ભાઈને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
એડિશનલ સેશન્સ જજ પી. આર. અશતુરકરે ભારતીય દંડ સંહિતાની કલમ 376(2) અને 506(2) હેઠળ 32 વર્ષના આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો. કોર્ટે 10 વર્ષની સખત કેદ અને પાંચ હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. આ રકમ પીડિતાને વળતર રૂપે આપવાનો આદેશ પણ કોર્ટે આપ્યો હતો.
આ પણ વાંચો: ઠંડું પાણી આપવાને બહાને ઘરમાં બોલાવી બાળકી સાથે કુકર્મ કરનારો પકડાયો…
વિશેષ સરકારી વકીલ કદંબિની ખંડાગળેએ કોર્ટમાં જણાવ્યું હતું કે 2015માં ઑગસ્ટ અને 20 સપ્ટેમ્બરે ઘટના બની હતી. ડૉમ્બિવલીમાં મજૂરી કરતા આરોપીએ બે વખત સગીર બહેન પર જાતીય હુમલો કર્યો હતો. તે સમયે સગીરા આરોપી અને બીજા ભાઈ સાથે ભાડેની રૂમમાં રહેતી હતી.
બીજી વખત સગીરા સાથે કુકર્મ કરવામાં આવતાં તેણે એક ફ્રેન્ડ પાસે મદદ માગી હતી. ફ્રેન્ડના વડીલોએ પોલીસ ફરિયાદ નોંધાવવા સગીરાને સમજાવી હતી. પરિણામે 22 સપ્ટેમ્બર, 2015ના રોજ એફઆઈઆર નોંધાવાયો હતો.
આ પણ વાંચો: કાઉન્સેલિંગ સેશન્સ વખતે વિદ્યાર્થિનીએ 10 વર્ષ અગાઉ મૌલવીએ કરેલા કુકર્મની વ્યથા જણાવી…
સગીરાએ જાતીય હુમલાની વાત ઉપજાવી કાઢી હોવાની બચાવ પક્ષના વકીલની દલીલ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું હતું કે તબીબી પુરાવાઓ સ્પષ્ટ દર્શાવે છે કે જાતીય હુમલો કરવામાં આવ્યો છે અને આ પુરાવા સગીરાની ફરિયાદને મજબૂત આધાર આપે છે.
(પીટીઆઈ)



