Raj Thackeray જે ચાર્ટર્ડ પ્લેનમાં Delhi ગયા એનું Gujarat Connection જાણો છો?
મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેના ઉમેદવાર શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ્યબાણ પર ચૂંટણી લડે એવી શક્યતા છે. રાજ ઠાકરે મહાયુતિમાં આપવામાં આવનારી જગ્યાઓ મનસેના ઉમેદવારો ધનુષ્યબાણ પર લડશે, એવી માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રાજ ઠાકરે વચ્ચે તાજ હોટેલમાં દોઢ કલાક ચર્ચા ચાલી હતી અને અમિત શાહની મુલાકાત બાદની આ બેઠક ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. પણ આપણે એ બેઠકની વાતમાં નથી પડવું. આપણે તો અહીં વાત કરવાના છીએ મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે જે ચાર્ટર્ડ પ્લેનમાં દિલ્હી ગયા એના ગુજરાત સાથેના કનેક્શનની.
જી હા, રાજ ઠાકરે અને એમનો પુત્ર અમિર ઠાકરે જે ચાર્ટર્ડ પ્લેનમાં દિલ્હી ગયા એનું ગુજરાત અને એમાં પણ અમદાવાદ સાથે ખાસ કનેક્શન છે. મળી રહેલી માહિતી પ્રમાણે આ ચાર્ટર્ડ પ્લેન અમદાવાદની એક કમર્શિયલ ચાર્ટર્ડ પ્લેન ઓપરેટ કરતી કંપનીમાં રજિસ્ટર્ડ છે. આ સિવાય પણ બીજા અનેક એવા મુદ્દાઓ છે કે જેને કારણે આ પ્લેન ચર્ચામાં આવ્યું છે. આવો જોઈએ શું છે આ મુદ્દાઓ..
આપણ વાંચો: ફડણવીસ, રાજ ઠાકરે અને શિંદે વચ્ચે અઢી કલાક બેઠકઃ રાજ ઠાકરેની ‘બર્થ’ પાક્કી
રાજ ઠાકરે જે ચાર્ડર્ડ પ્લેનથી દિલ્હી ગયા એ એક કસ્ટમાઈઝ્ડ કેબિન, વાયરલેસ ઈન્ટરનેટ, એડજસ્ટેબલ રિક્લાઈનિંગ સીટ જેવી વિવિધ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. સૌથી મહત્ત્વની વાત એટલે Flightradar24, Flyware અને Airnav Radarbox જેવી ફ્લાઈટ ટ્રેકિંગ ટેક્નોલોજી પણ આ ચાર્ટર્ડ પ્લેનની ભાળ કાઢી શકતા નથી.
ફ્લાઈટ ટ્રેકિંગ પ્લેટફોર્મની રડારથી પોતાનું ચાર્ટર્ડ પ્લેન દૂર રાખવાનો એક ગ્લોબલ ટ્રેન્ડ બની ગયો છે. અનેક મોટા મોટા બિઝનેસમેનથી લઈને એલોન મસ્ક, ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેલર સ્વિફ્ટ જેવા દુનિયાભરના મોટા મોટા નેતાઓ, સેલિબ્રિટીઓ આવું કરે છે અને તેઓ જાણી જોઈને પોતાના ચાર્ટર્ડ પ્લેનનું ટ્રેકિંગ સિસ્ટમ ઓફ રાખે છે.
અગાઉ જણાવ્યું એમ રાજ ઠાકરે જે ચાર્ટર્ડ પ્લેનમાં મોટાભાઈ અમિત શાહને મળવા દિલ્હી ગયા એ ગુજરાતના અમદાવાદ ખાતેના એક કમર્શિયલ ચાર્ટર્ડ ઓપરેટર પાસે રજિસ્ટર્ડ છે. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન પ્રોગ્રામના આધારે ભારતમાં પ્રાઈવેટ ચાર્ટર્ડ પ્લેન માટે નિયમો નક્કી કરવામાં આવ્યા છે. ભારતમાં અનેક નેતા અને સેલિબ્રિટી પોતાની પ્રાઈવસી જાળવી રાખવા માટે આ નિયમનો ઉપયોગ કરે છે.