Dinner Diplomacy: શરદ પવારે શિંદે ફડણવીસને આપ્યું આમંત્રણ, આ તારીખે મહત્ત્વની બેઠક | મુંબઈ સમાચાર

Dinner Diplomacy: શરદ પવારે શિંદે ફડણવીસને આપ્યું આમંત્રણ, આ તારીખે મહત્ત્વની બેઠક

મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે વિપક્ષ અને સત્તાધારી પક્ષ બંને પોતાની પૂરી તૈયારી કરી રહ્યા છે ત્યારે વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે ડિનર ડિપ્લોમસી (Dinner Diplomacy) થઇ રહેલી જોવા મળી છે. શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને પત્ર મોકલાવીને મળવા બોલાવ્યા છે. પવારે પત્ર લખીને ત્રણેય પ્રધાનને પત્ર લખીને ડિનર માટે બોલાવ્યા છે.

હવે ચૂંટણી પહેલા જ વિપક્ષના મુખ્ય ઘટક પક્ષ એવા શરદ પવાર જૂથના વડા શરદ પવાર અને સત્તાધારી પક્ષના ત્રણેય મુખ્ય નેતા વચ્ચે બેઠકમાં શું વાતચીત થશે તેની ચર્ચા થઇ રહી છે.

શરદ પવારે લખેલા પત્રમાં જણાવાયા મુજબ તમે બીજી માર્ચે સરકારી મુલાકાતે બારામતી ખાતે આવવાના છો. એ દિવસે અહીં વિદ્યાનગરીમાં વિદ્યા પ્રતિષ્ઠાન દ્વારા મહારોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. હું વિદ્યા પ્રતિષ્ઠાનનો સંસ્થાપક અધ્યક્ષ છું અને સંગઠનના અધ્યક્ષના રૂપમાં હું તમારું સ્વાગત કરવા માગું છું.

પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે મને ખૂબ જ આનંદ થાય છે કે મુખ્ય પ્રધાન બન્યા બાદ પહેલી વખત બારામતી આવી રહ્યા છો. મેં બારામતી ખાતે મારા નિવાસસ્થાન ‘ગોવિંદબાગ’માં તમને અમારા આતિથ્યનો આનંદ લેવા પહેલા જ ફોન ઉપર નિમંત્રણ આપેલું છે. કૃપા કરીને નમો મહારોજગાર મેળા બાદ કેબિનેટના પ્રધાનો અને અન્ય સાથીદારો સાહિત તમે આવો. મને આશા છે કે તમે આઆમંત્રણ સહૃદય સ્વીકારશો.

અજિત પવાર બારામતી બેઠક ઉપરથી પોતાનો ઉમેદવાર જાહેર કરવાની તૈયારીમાં છે એવા સમયે આ આમંત્રણ આપવામાં આવતા અનેક તર્ક-વિતર્ક પણ થઇ રહ્યા છે.

હાલ બારામતી બેઠક ઉપરથી શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળે સાંસદ છે અને આગામી લોકસભાની ચૂંટણીમાં અજિત પવાર પોતાના પત્ની સુનેત્રા પવારને અહીંથી ઉમેદવાર બનાવે તેવી પૂરેપૂરી શક્યતા છે. એવામાં એક જ પાર્ટીમાંથી છૂટા પડેલા કાકા-ભત્રીજા વચ્ચે ચૂંટણી પહેલા શું રંધાય છે તેના ઉપર બધાની નજર છે.

Back to top button